News Continuous Bureau | Mumbai
TMC party crisis પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સુપ્રીમો મમતા બેનર્જી માટે રાજકીય મુશ્કેલીઓનો અંત આવતો જણાતો નથી. દિલ્હીમાં જ્યારે તેઓ ‘ઈન્ડિયા’ ગઠબંધનની મહત્વપૂર્ણ બેઠકમાં વ્યસ્ત હતા, ત્યારે પાર્ટીના લગભગ ૨૦ જેટલા લોકસભા સાંસદોએ એક મોટો નિર્ણય લઈને રાજકીય ભૂકંપ સર્જી દીધો છે. આ સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને જાણ કરી છે કે તેઓ હવે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ (NDA) ગઠબંધનને સમર્થન આપવા માંગે છે.
TMC party crisis : બળવા પાછળનું કારણ
પક્ષના વરિષ્ઠ નેતા કાકોલી ઘોષ દસ્તીદારના નેતૃત્વમાં આ બળવાખોર સાંસદોએ દિલ્હીમાં એક ગુપ્ત બેઠક કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સાંસદો પક્ષના વર્તમાન નેતૃત્વના વલણ અને પશ્ચિમ બંગાળમાં થયેલી ચૂંટણી હાર બાદ પક્ષની નિષ્ક્રિયતાથી નારાજ હતા. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાજ્યના વિકાસ માટે એનડીએ સાથે જોડાવા માંગે છે અને હવે તેઓ પક્ષના સત્તાવાર વ્હીપ (Party whip) ને અનુસરવાને બદલે અલગ જૂથ તરીકે કાર્ય કરશે.
TMC party crisis : દિલ્હીના રાજકારણમાં મોટો વળાંક
ટીએમસીમાં પડેલા આ મોટા ભંગાણને કારણે સંસદમાં પણ સમીકરણો બદલાઈ રહ્યા છે. ૨૦ સાંસદોના આ પગલાથી એનડીએ ગઠબંધનની સંખ્યાબળમાં મોટો વધારો થયો છે, જે લોકસભામાં સરકારની સ્થિતિને વધુ મજબૂત બનાવશે. રાજકીય નિષ્ણાતો માને છે કે આ ઘટનાક્રમ મમતા બેનર્જી માટે માત્ર એક મોટો ઝટકો નથી, પરંતુ રાષ્ટ્રીય રાજકારણમાં તેમની ભૂમિકાને નબળી પાડનારો સાબિત થઈ શકે છે.
TMC party crisis : વરિષ્ઠ નેતાઓના રાજીનામા અને અનિશ્ચિતતા
સાંસદોના બળવા ઉપરાંત, રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રાયે પણ પક્ષ અને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દેતા ટીએમસી માટે આંતરિક અરાજકતા ચરમસીમાએ પહોંચી ગઈ છે. મમતા બેનર્જી માટે હવે પોતાના ઘરને બચાવવું એ એક સૌથી મોટો પડકાર બની ગયો છે. એક તરફ ‘ઈન્ડિયા’ ગઠબંધનને એકજૂથ રાખવાનો પ્રયાસ અને બીજી તરફ પોતાની જ પાર્ટીનું વિભાજન, આ બેવડા દબાણ વચ્ચે મમતા બેનર્જીની રાજકીય રણનીતિ હવે કઈ દિશામાં વળશે, તે જોવું રસપ્રદ રહેશે.
👉 આ સમાચાર વાચો:
Israel Iran war શું શાંત થશે મધ્યપૂર્વ? ટ્રમ્પ ઈઝરાયેલઈરાન વચ્ચે આવ્યા, હુમલા રોકવાની કરી જોરદાર અપીલ.