News Continuous Bureau | Mumbai
BMC Beach Cleanliness Drive બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા મુંબઈના દરિયાકિનારાઓને સ્વચ્છ, સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ રાખવાના હેતુથી ૯ જુલાઈથી ૧૯ જુલાઈ ૨૦૨૬ દરમિયાન એક વિશેષ સ્વચ્છતા ઝુંબેશ (Beach Cleanliness Drive) ચલાવવામાં આવી હતી. ૧૪ જુલાઈથી ૧૮ જુલાઈ દરમિયાન દરિયામાં ૪.૫ મીટરથી વધુ ઊંચાઈના મોજાઓ સાથે આવેલી મોટી ભરતીને કારણે કિનારે તણાઈ આવેલા પ્લાસ્ટિક, થર્માકોલ અને લાકડાના અવશેષો સહિત કુલ ૨,૪૯૮.૬૬ મેટ્રિક ટન (આશરે ૨,૪૯૯ મેટ્રિક ટન) ઘનકચરાનું સફળતાપૂર્વક સંકલન કરીને તેનો શાસ્ત્રોક્ત પદ્ધતિથી નિકાલ કરવામાં આવ્યો છે.
BMC Beach Cleanliness Drive – પ્રશાસનનું આયોજન અને કમિશનરનું માર્ગદર્શન
આ વિશેષ સ્વચ્છતા અભિયાન મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી અશ્વિની ભીડેના માર્ગદર્શન હેઠળ અને એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (વેસ્ટર્ન સબર્બ્સ) ડો. વિપિન શર્માના નેતૃત્વમાં અત્યંત આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવ્યું હતું. ચોમાસા દરમિયાન દરિયાની મોટી ભરતી વખતે જંગી માત્રામાં તણાઈ આવતા કચરાને ત્વરિત હટાવવા માટે બીએમસીએ મશીનરી, વાહનો અને વધારાના કર્મચારીઓની ટીમ તૈનાત કરી હતી, જેથી નાગરિકો અને પ્રવાસીઓને સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ મળી શકે.
BMC Beach Cleanliness Drive – કયા બીચ પરથી કેટલો કચરો એકઠો કરાયો?
ઘનકચરા વ્યવસ્થાપન વિભાગના ડેપ્યુટી કમિશનર શ્રી કિરણ દિઘાવકરે વિવિધ ચોપાટી અને દરિયાકિનારેથી એકઠા કરાયેલા કચરાના આંકડા આપતા જણાવ્યું કે, ૬ કિલોમીટર લાંબા જુહૂ બીચ પરથી સૌથી વધુ ૧,૮૨૫ મેટ્રિક ટન કચરો ઉપાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત વેસાવે બીચ પરથી ૨૭૭.૬૦ મેટ્રિક ટન, દાદર-માહિમ કિનારેથી ૧૫૨.૧૦ મેટ્રિક ટન, ચિમ્બઈ-વારિંગપાડા બીચ પરથી ૧૨૭.૨૦ મેટ્રિક ટન, મઢ-માર્વેથી ૪૪.૨૮ મેટ્રિક ટન, ગોરાઈથી ૩૮.૮૨ મેટ્રિક ટન અને ગિરગાંવ ચોપાટી પરથી ૩૩.૬૬ મેટ્રિક ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો.
BMC Beach Cleanliness Drive – પર્યાવરણ સુરક્ષા અને નાગરિકોને સહયોગની અપીલ
બીએમસીના ઘનકચરા વ્યવસ્થાપન વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે મુંબઈના દરિયાકિનારાને પ્રદૂષણમુક્ત રાખવા માટે પ્રશાસનના પ્રયાસોમાં સહયોગ આપે. દરિયામાં અને કિનારે કચરો કે પ્લાસ્ટિક ન ફેંકીને મુંબઈકરો દરિયાઈ પર્યાવરણની સુરક્ષામાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. બીએમસીની વિશેષ ટીમો ચોમાસા દરમિયાન પણ દરિયાકિનારા પર સતત નજર રાખીને સફાઈ કામગીરી ચાલુ રાખશે.
👉 આ સમાચાર વાચો:
Gold and Silver Price Hike મોટા સમાચાર સોનાચાંદીના ભાવમાં અણધારી તેજી, સોનું રૂ. ૧.૪૩ લાખ પર પહોંચતાં ગ્રાહકોરોકાણકારો ચોંકી ઉઠ્યા