News Continuous Bureau | Mumbai
Turtle Excluder Device દરિયાઈ પર્યાવરણ અને જીવસૃષ્ટિના રક્ષણ માટે ગુજરાત સરકારે એક ઐતિહાસિક પહેલ કરી છે. રાજ્યના માછીમારોની જાળમાં ફસાતા દરિયાઈ કાચબાઓને બચાવવા માટે પ્રથમવાર ખાસ ડિઝાઇન કરાયેલા ઉપકરણ લગાવવામાં આવશે. આ મહત્વપૂર્ણ પગલાથી દરિયાઈ જીવસૃષ્ટિનું સંરક્ષણ થવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે અટવાયેલી સીફૂડની નિકાસને પુનઃ વેગ મળશે, જેનાથી માછીમારોની આવકમાં મોટો વધારો થવાની અપેક્ષા છે.
Turtle Excluder Device – રાજ્યના ૮,૯૦૦થી વધુ માછીમારોને મળશે ૧૦૦ ટકા સહાય
દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો (Coastline) ધરાવતા ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે કેન્દ્ર સરકારની ‘પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના’ અંતર્ગત આ નવતર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ રાજ્યના ૮,૯૨૫ માછીમારોને કુલ રૂ. ૨૦.૯૬ કરોડના ખર્ચે વિનામૂલ્યે આધુનિક ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ (Turtle Excluder Device – TED) પૂરા પાડવામાં આવશે. દેશભરમાંથી સૌથી વધુ ઉપકરણો એકમાત્ર ગુજરાત રાજ્ય માટે મંજૂર કરવામાં આવ્યા છે, જે રાજ્યના મત્સ્યોદ્યોગ (Fisheries Sector) ના આધુનિકીકરણ અને પર્યાવરણીય સંતુલન (Ecological Balance) ની દિશામાં એક મોટું પગલું સાબિત થશે.
Turtle Excluder Device – ટેકનોલોજીની વિશેષતા અને કાચબાઓનું સુરક્ષિત એક્ઝિટ
આ વિશિષ્ટ મોડેલ ભારતીય કૃષિ સંશોધન પરિષદ હેઠળની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશરીઝ ટેકનોલોજી (CIFT) દ્વારા અમેરિકાના નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) ના વૈશ્વિક ધોરણો મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપકરણ ઝીંગા પકડવાની ટ્રોલ નેટ (Trawl Net) માં ફીટ કરવામાં આવે છે. જ્યારે માછીમારી દરમિયાન જાળમાં કાચબા કે અન્ય મોટા દરિયાઈ જીવો પ્રવેશે છે, ત્યારે તેઓ ખાસ બનાવવામાં આવેલા એક્ઝિટ ફ્લેપ (Exit Flap) દ્વારા આપોઆપ સુરક્ષિત રીતે દરિયામાં પાછા નીકળી જાય છે, જ્યારે ઝીંગા જાળમાં જ રહે છે. આ પદ્ધતિથી કાચબાઓના અકાળે થતા મૃત્યુદરમાં મોટો ઘટાડો નોંધાશે.
Turtle Excluder Device – વૈશ્વિક સીફૂડ બજારમાં નિકાસને મળશે મોટો વેગ
અગાઉ અમેરિકા સહિતના આંતરરાષ્ટ્રીય બજારો દ્વારા ભારતના દરિયામાંથી પકડાતા ઝીંગા એટલે કે ‘વાઇલ્ડ કોટ શ્રિમ્પ’ (Wild Caught Shrimp) ની આયાત પર નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા. માછીમારી વખતે કાચબાઓના જીવ જોખમાતા હોવાથી આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેશન (International Certification) મેળવવામાં ભારે મુશ્કેલી પડતી હતી. હવે આ સુરક્ષા ઉપકરણોના અમલથી જરૂરી વૈશ્વિક મંજૂરીઓ સરળતાથી મળી શકશે, જેના લીધે અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં ગુજરાતના સીફૂડની નિકાસ (Seafood Exports) ફરી ધમધમતી થશે. પરિણામે સ્થાનિક નિકાસકારો અને માછીમારોની આવક વધશે અને રાજ્યની બ્લુ ઈકોનોમી (Blue Economy) વધુ મજબૂત બનશે.
👉 આ સમાચાર વાચો:
Sensex Crash Trump Statement શેરબજારમાં ભૂકંપ.. સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના એક નિવેદનથી રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા