ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
કેન્દ્રની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારના મંત્રી નવાબ મલિક પર ગાળિયો કસ્યો છે અને મની લોન્ડરિંગ કેસમાં મલિકની ધરપકડ બાદ આજે મહાવિકાસ અઘાડી સરકારના મંત્રીઓ આજે મુંબઈમાં ધરણા પર બેઠા છે. અહીં ઉલ્લેખનીય છે કે બુધવારે મોડી સાંજે મુખ્યમંત્રી આવાસ પર શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના મંત્રીઓની બેઠક મળી હતી, જેમાં નવાબ મલિક સામેની કાર્યવાહીને અયોગ્ય ઠેરવતા કેન્દ્ર સરકાર સામે અવાજ ઉઠાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
એનસીપીના વરિષ્ઠ નવાબ મલિકની ધરપકડના વિરોધમાં મહાવિકાસ અઘાડીએ એકત્ર થઈને ભાજપ વિરોધી સંઘર્ષની હાકલ કરી છે. જેના ભાગરૂપે આજે મુંબઈમાં મંત્રાલયના પ્રાંગણમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે મહાવિકાસ આઘાડીના નેતાઓ આજે સવારે 10 વાગ્યાથી ધરણા પર બેઠેલા છે, જેમાં ડેપ્યુટી સીએમ અજિત પવાર, દિલીપ વાલસે પાટીલ, બાલસાહેબ થોરાત, અસલમ શેખ જેવા વરિષ્ઠ પ્રધાનો સામેલ હતા. જોકે શિવસેનાના નેતાઓ ગેરહાજર રહ્યા હતા.
આ દરમિયાન પત્રકારો સાથેની વાતચીત દરમિયાન મુંબઈના પાલક મંત્રી અસલમ શેખે કહ્યું હતું કે, નવાબ મલિક એક વરિષ્ઠ મંત્રી છે અને આ સમગ્ર ષડયંત્ર તેમની વિરુદ્ધ રચવામાં આવ્યું છે. પાલક મંત્રીએ એમ પણ કહ્યું હતું કે, તેમને બોલાવ્યા વિના કસ્ટડીમાં લેવા અને ખોટા આરોપો લગાવવા એ ખોટું છે, જેનો અમે બધા વિરોધ કરી રહ્યા છીએ. અમે કેન્દ્ર સરકારને આ જ કહેવા માંગીએ છીએ, તેઓ કેન્દ્રીય તપાસ એજન્સીનો દુરુપયોગ કરી રહ્યા છે, પરંતુ હવે તેમની તાનાશાહી નહીં ચાલે, અમે સાથે મળીને તેમને જવાબ આપીશું.