ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022,
બુધવાર,
ભારતના કેરળ રાજ્યની સૌથી યુવા મેયર બનીને ચર્ચામાં આવેલી આર્ય રાજેન્દ્રન હવે પ્રભુતામાં પગલાં માંડવા માટે તૈયાર છે. 22 વર્ષીય આર્ય હવે જલ્દી જ બાલુસેરીના વિધાયક કેએમ સચિન દેવ સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ જવાની છે.
દેશના સૌથી યુવા મેયર આર્ય રાજેન્દ્રન અને કેરળના સૌથી યુવા ધારાસભ્ય કેએમ સચિન દેવ આવતા મહિને લગ્ન કરશે. આ બંને યુવા નેતાઓ કેરળની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી) સાથે જોડાયેલા છે. જોકે હાલમાં લગ્નની તારીખની જાહેરાત કરવામાં આવી નથી.જો કે લગ્નની તારીખ હજી ફાઇનલ થઈ નથી.
આર્યએ તાજેતરમાં જ પોતાના લગ્ન અંગે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, 'અમે બંને એક જ રાજકીય વિચારધારાથી જોડાયેલા છીએ અને અમે સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)માં સાથે કામ કર્યું છે. અમે સારા મિત્રો રહ્યા છીએ. અમે આ નિર્ણય લીધો અને બાદમાં અમારા પરિવારજનોને અને પાર્ટીને તેની જાણ કરી છે.
અગાઉ બંને યુવા નેતાઓ SFIમાં સાથે કામ કરી ચૂક્યા છે, ત્યારથી તેઓ સારા મિત્રો છે. મેયર ઉપરાંત, આર્ય રાજેન્દ્ર શાસક સીપીઆઈ(એમ)ની બાળકોની પાંખ બાલા સંઘમના પ્રદેશ અધ્યક્ષ છે, જ્યારે બીજી તરફ સચિન દેવ, ધારાસભ્ય તેમજ એસએફઆઈના રાજ્ય સચિવ છે. તેમના લગ્નની જાહેરાતથી તેમની પાર્ટીના નેતાઓ પણ ખુશ દેખાઈ રહ્યા છે.
આપને જણાવી દઈએ કે આર્ય રાજેન્દ્રન ડિસેમ્બર 2020 માં તિરુવનંતપુરમથી મેયર તરીકે ચૂંટાયા હતા, તે સમયે 21 વર્ષીય આર્ય દેશના સૌથી યુવા મેયર બન્યા હતા. બીજી તરફ, કેએમ સચિન દેવ 2021ની કેરળ વિધાનસભા ચૂંટણીમાં બાલુસેરી મતવિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા હતા.