ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 જાન્યુઆરી 2022
ગુરુવાર.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી રોજ 2000થી ઓછા કેસ સામે આવી રહ્યા છે. કોરોના ની ત્રીજી લહેર મુંબઈમાં ઓસરવાના આરે આવી રહી છે. આથી મુંબઈ મહાનગર પાલિકા અને મુંબઈગરાના રાહત થઈ છે. શહેરમાં આજે કોરોનાના નવા 1858 કેસ નોંધાયા છે.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1858 નવા કેસ આવ્યા તેમજ 13 દર્દીઓના મોત નીપજ્યા છે. મુંબઈમાં નવા કેસ સામે આવ્યા પછી સંક્રમણના કેસ વધીને 1,040,363 થઈ ગયા છે. કોરોનાથી મૃત્યુઆંક વધીને 16,569 થઈ ગયો છે. આ દરમિયાન 1656 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા પણ હવે 9,98,698 પર પહોંચી ગઈ છે અને રિકવર થવાનું પ્રમાણ 96 ટકા પર યથાવત રહ્યું છે.
મુંબઈમાં બુધવારે 42,315 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 1858 નવા નિદાન થયેલા દર્દીઓમાંથી 233 હોસ્પિટલમાં છે અને અન્ય ઘરેથી સારવાર લઈ રહ્યા છે. આજે મળી આવેલા નવા દર્દીઓમાંથી 1,579 દર્દીઓમાં કોઈ લક્ષણો જ નહોતા. 37 હજાર 830 બેડમાંથી માત્ર 3,118 બેડ નો ઉપયોગ થયો છે.
શહેરમાં 27 બિલ્ડીંગને સીલ કરાઈ છે. ત્યાં પાંચ અને પાંચ કરતાં વધુ કોરોનાના દર્દી છે. હાલ શહેરમાં કોરોનાના 22,364 સક્રિય કેસ છે. જ્યારે શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી થવાનો સમયગાળો વધીને 185 દિવસ થયો છે.