ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,25 જાન્યુઆરી 2022
મંગળવાર.
મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાંથી આઘાતજનક બનાવ બન્યો હતો, જેમાં બર્થ-ડે સેલિબ્રેશન માટે જઈ રહેલા મેડિકલના વિદ્યાર્થીઓની ફોરવ્હીરલનો એક્સિડન્ટ થયો હતો, જેમાં સાત મેડિકલના વિદ્યાર્થીઓના મોત થયા હતા.
સ્થાનિક પોલીસના કહેવા મુજબ વર્ધા જિલ્લાના સેલસુરામાં આ દુર્ઘટના બની હતી, જેમાં ફોર વ્હીલર એસયુવી કાબુ ગુમાવતા કરૂણ અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, દેવલીથી વર્ધા જતા માર્ગ પર સેલસુરા પાસે આ અકસ્માત થયો હતો. વાહને કાબુ ગુમાવ્યો અને સીધુ નજીકના નદીના પુલ પરથી પડી ગયું. લગભગ 40 ફૂટ લાંબુ અને પહોળું ફોર વ્હીલર નીચે પડી ગયું હતું, જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. મૃતકમાં ભંડારા જિલ્લાના ધારાસભ્ય વિજય રહંગદલેનો પુત્ર પણ હતો.
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. મૃતકોમાં મોટાભાગના 25-35 વર્ષની વય જૂથના છે. આ અકસ્માત રાત્રે એક વાગ્યાની આસપાસ બન્યો હતો. સવારના ચાર વાગ્યેથી મૃતદેહો બહાર કાઢવાનું ચાલુ હતું. અન્ય મૃતદેહોની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ તમામ મૃતકોની ઓળખ સાવંગીની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ તરીકે થઈ છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે વર્ધા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, પરંતુ આ ઘટનાથી સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો.