ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,21 જાન્યુઆરી 2022
શુક્રવાર.
મુંબઈ સહિત મહારાષ્ટ્રનો વરસાદ કેડો મુકતો નથી. નવા વર્ષના આગમન સાથે જ એટલે કે જાન્યુઆરીના પહેલા જ અઠવાડિયામાં મુંબઈમાં વરસાદ પડ્યો હતો. હવે ફરી એક વખત મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદનો અંદાજો હવામાન ખાતાએ વ્યક્ત કર્યો છે. કમોસમી વરસાદને કારણે જોકે રાજ્યના ખેડૂતોની ફરી એક વખત ચિંતા વધી ગઈ છે.
રાજ્યમાં ફરી આકાશી આફત તૂટી પડવાની છે. કોંકણ સહિત મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદનો અંદાજો હવામાન ખાતાએ વ્યક્ત કર્યો છે. 23 અને 24 જાન્યુઆરીના વરસાદ પડવાની શક્યતા છે. રાજસ્થાનમાં સર્જાઈ રહેલા સર્ક્યુલેશનને કારણે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. કમોસમી વરસાદને કારણે કોંકણમાં કેરીના પાક સહિત અનેક પાકને નુકસાન થવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ લા નિનો પરિસ્થિતિને કારણે હવામાનમાં ફેરફાર થયા છે. કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધી રહ્યું હોવાથી આ ગ્લોબલ વોર્મિંગની અસર છે. બદલાતા હવામાનને કારણે કમોસમી વરસાદ પડી રહ્યો છે.
વૈશ્વિક સ્તરે લા નિનોની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. પ્રશાંત મહાસારમાં તાપમાન વધવાનું આ પરિણામ હોવાનું નિષ્ણાતોનું કહેવું છે.
ગયા વર્ષે 15મેના રોજ તૌકતે વાવાઝોડાની અસર થઈ હતી. ત્યારબાદ નૈઋત્ય ચોમાસામાં પણ અતિ વૃષ્ટિ રહી હતી. ત્યારબાદ વિદાય લેતા સમયે પણ ઓક્ટોબરમાં ભારે વરસાદ રહ્યો હતો. ત્યારબાદ નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ વરસાદ પડ્યો હતો. નવા વર્ષમાં એટલે કે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં પણ વરસાદ રહ્યો હતો.