ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,21 જાન્યુઆરી 2022
શુક્રવાર.
ઈન્ડોનેશિયામાં સ્થાનિક બજારમાં પામ તેલની કિંમતમાં મોટા પ્રમાણમાં ઉછાળો આવ્યો છે અને ઉત્પાદનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેથી ઈંડોનેશિયાની સકરારે પામ તેલની નિકાસ માટે અનિવાર્ય રૂપથી પરમિટ લઈને જ નિર્યાત કરવાની પોલીસી લાગુ કરી હોવાની જાહેરાત કરી છે. તેને કારણે ભારતમાં સ્થાનિક બજારમાં સ્થિર રહેલા ખાદ્ય તેલના ભાવમાં ફરી ઉછાળો જોવા મળવાની શક્યતા કોન્ફડેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(CAIT)ના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંગના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે વ્યક્ત કરી છે.
ખાદ્ય તેલની વધતી કિંમતને નિયંત્રણમાં લાવવાના પ્રયાસો વચ્ચે વરિષ્ઠ અધિકારીઓના કહેવા મુજબ ઈંડોનેશિયાને પોતાના ઉત્પાદકોને તેઓ સ્થાનિક સ્તર પર કેટલું તેલ વેચવાની યોજના બનાવે છે તે જાહેર કરવું પડશે. પામ તેલનો દુનિયાનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસ કરનારો દેશ સ્થાનિક સ્તરે તેલની કિંમતમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે એક વર્ષ પહેલાની સરખામણીમાં લગભગ 40 ટકા વધી ગયું છે.
ઈંડોનેશિયાની સરકારના કહેવા મુજબ તેઓ નિકાસ પર પ્રતિબંધ મૂકવા માગતા નથી, પરંતુ નિકાસનો રેકોર્ડ રાખવા માંગે છે. અહીં ઉલ્લેખનીય છે કે પહેલી જાન્યુઆરીથી ઈન્ડોનેશિયાએ કોલસાની નિકાસ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.
CAITએ બહાર પાડેલી પ્રેસ રિલીઝ મુજબ ઇન્ડોનેશિયાના આ પગલાથી વૈશ્વિક સ્તરે તેલના ભાવને અસર થવાની છે. દેશમાં છેલ્લા થોડા દિવસમાં અમુક રાજયમાં પડેલા કમોમસી વરસાદને પગલે સરસવના પાકને નુકસાન થયું છે. તેથી સ્થાનિક સ્તરે પણ તેના ઉત્પાદનને અસર થવાની શક્યતા છે.