ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,7 જાન્યુઆરી 2022
શુક્રવાર.
મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. રાજયમાં કોરોનાનો ચેપ વધુ ફેલાય નહીં તે માટે લોકડાઉન અથવા આકરા પ્રતિબંધ લાદવામાં આવે શક્યતા વર્તાય છે. તેથી સામાન્ય નાગરિકોમાં લોકડાઉનનો ભય વ્યાપી ગયો છે. ત્યારે આ સંદર્ભમાં મહારાષ્ટ્રના કોવિડ ટાસ્ક ફોર્સે બહુ મહત્વનું વિધાન કર્યું છે.
મહારાષ્ટ્ર કોવિડ ટાસ્ક ફોર્સના સલાહકાર સભ્ય અને મુંબઈના ખાનગી હોસ્પિટલ સમન્વય સમિતિના પ્રમુખ ડો.ગૌતમ ભંસાલીએ એક મીડિયા હાઉસને જણાવ્યા મુજબ જ્યાં સુધી રાજ્યની પરિસ્થિતિ ગંભીર થતી નથી અને કોવિડના ગંભીર દર્દી હોસ્પિટલમાં દાખલ થતા નથી ત્યાં સુધી મહારાષ્ટ્રમાં લોકડાઉનની શક્યતા નથી.
ટાસ્ક ફોર્સના સભ્યના કહેવા મુજબ ખાનગી હોસ્પિટલમાં 7,000 બેડ ઉપલબ્ધ છે અને આવશ્યકતા જણાઈ તો તે વધારવામાં આવશે. સરકારી અને પાલિકા સંચાલિત હોસ્પિટલમાં લગભગ 30 ટકા બેડ્સ છે. કોરોનાના લક્ષણો નહીં ધરાવતા દર્દી મોટાભાગે બેથી ત્રણ દિવસમાં સારા થઈ જાય છે. મુંબઈમાં 40,000 સુધી કેસ થાય તેની તૈયારી રાખવામાં આવી છે. ગુરુવારે 20,000 કેસ થયા તે અપેક્ષિત હતું.