ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,6 જાન્યુઆરી 2022
ગુરુવાર.
મુંબઈ મહાનગરપાલિકાએ દરિયાના પાણી પર પ્રક્રિયા કરીને તેને વાપરવા લાયક બનાવવા માટેનો 18,000 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ હાથ ધર્યો છે. તેની સામે ભાજપે પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલને પત્ર લખી મુંબઈગરાના કરના પૈસા આ પ્રોજેક્ટ પાછળ વેડફવાને બદલે મુંબઈમાં પાણીની મોટા પાયા પર થતી ચોરી અટકાવવાની માગણી કરી છે. તેમ જ ટેન્કર માફિયા અને તેના મારફત થનારા 3,000 કરોડ રૂપિયાના ગેરકાયદે કારભારને રોકવા માટેની માગણી કરી છે.
મુંબઈ સહિત મુંબઇ મેટ્રોપોલિટન રિજન એરિયામાં થતી પાણીની ચોરી અને વધુ પડતા પાણીના વેડફાટ બાબતે ભાજપના નેતા આશિષ શેલારે કેટલાક ગંભીર મુદ્દાઓ તરફ પાલિકા કમિશનર અને અન્ય સરકારી ખાતાના અધિકારીઓનું ધ્યાન દોર્યું છે. તેમજ તેની તપાસ માટે સ્પેશિયલ ઈન્સવેસ્ટીગેશન ટીમ SITની નિમણૂક કરવાની માંગ કરી છે.
આશિષ શેલારના દાવા મુજબ કેન્દ્રીય ભૂગર્ભ જળ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ, મુંબઈ શહેરમાં 19,000 થી વધુ પાણીના કુવાઓ છે જેમાંથી 12,500 બોરવેલ છે. BMCએ 251 પાણીની ટાંકીઓને નોટિસ પાઠવી છે જેમાંથી 216 ગેરકાયદેસર પાણીના કુવા છે જેમાંથી એક જ પાણીની ટાંકીમાંથી 80 કરોડ રૂપિયાનું પાણી ચોરાયું છે.
કાયદાનો અમલ થતો ન હોવાથી ગેરકાયદેસર રીતે પાણીના ટેન્કર માફિયાઓ લૂંટ ચલાવી રહ્યા છે અને મુંબઈ ડિવિઝનમાં રૂ. 3,000 કરોડથી વધુની કિંમતના પાણીની ચોરી થઈ રહી હોવાનો અંદાજ છે. તેથી, મુંબઈમાં ગેરકાયદેસર અને અનિયંત્રિત પાણીની ચોરીની તપાસ કરવી અને તેમના પર દંડ લાદીને તેને અટકાવવી જરૂરી હોવાની માગણી પણ ભાજપે પોતાના પત્રમાં કરી છે.
એક તરફ ગારગાઈ ડેમનો પ્રોજેક્ટ રદ કરીને મુંબઈ મહાનગરપાલિકા 18,000 કરોડ રૂપિયાનો દરિયાના પાણીને મીઠા કરવાનો પ્રોજેક્ટ હાથ ધરે છે અને બીજી તરફ મુંબઈમાં પાણીનો ગેરકાયદેસર વેપાર ચાલે છે. 3,000 કરોડનું ગેરકાયદેસર રીતે ટેન્કર માફિયાઓ ધંધો કરી રહ્યા છે, તેને રોકવા પાલિકા ગંભીર પ્રયાસ કરે એવી માગણી પણ ભાજપે કરી હતી.