ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 જાન્યુઆરી 2022
સોમવાર
આપણી ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી, મહિલાઓને ઉચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે. આમ છતાં પણ સમાજની અંદર આજે સ્ત્રી મહિલાઓ પર ઘરેલુ હિંસા સહિત અનેક જાતીય અત્યાચારના દુષણને કારણે મહિલાઓને અનેક રીતે જજૂમવુ પડે છે. ત્યારે આવી હિંસાને થતી અટકાવવા સ્ત્રીને નાનપણથી જ જો સેલ્ફ ડીફેન્સની તાલીમ આપવામાં આવે તો આવા બનાવો પર બ્રેક વાગે એમ છે. આ રીતે પ્રેરણા મેળવી નડિયાદની એક 8 વર્ષીય બાળાએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં આ દિકરી દેવાંગી બ્રહ્મભટ્ટે રાજ્ય કરાટે ચેમ્પિયનશીપમાં ભાગ લઈ બે ગોલ્ડ મેડલ મેળવી સમાજ અને સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે.
અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાત રાજ્ય કરાટે ચેમ્પિયનશીપમાં નડિયાદની આઠ વર્ષની દીકરી દેવાંગી પ્રકુંજકુમાર બ્રહ્મભટ્ટે ભાગ લીધો હતો. જેમાં તેણે ગોલ્ડ મેડલ તથા સિલ્વર મેડલ મેળવી શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. દેવાંગી પોતે નડિયાદમાં આવેલી સંતરામ ઇંગ્લીશ મિડિયમ સ્કૂલમાં ધોરણ ૪માં અભ્યાસ કરે છે. દેવાંગીને આ આગવી સિદ્ધિ બદલ શાળાના આચાર્ય અને ખાસ અભિનંદન આપ્યા છે. મંદિરના મહંત રામદાસજી મહારાજ અને નિર્ગુણદાસજી મહારાજે પણ આ દિકરીને આશીર્વાદ આપ્યા હતા. તો વળી આ દિકરીએ નડિયાદની આર.કે. માર્શલ આર્ટ એકેડેમીમાં ખાસ તાલીમ મેળવી હતી. દેવાંગીને તૈયાર કરવા પ્રશિક્ષક રશ્મિનભાઈ પટેલ ખૂબ જહેમત કરી હતી.
દેવાંગીના માતા-પિતાએ વાતચીતમાં જણાવ્યું કે, હાલ હાઈફાઈ યુગના માતા-પિતા મોટાભાગે પોતાના સંતાનોને નાનપણથી ડાન્સ ક્લાસ, મ્યુઝિક ક્લાસ, સ્પોકન ઇંગ્લીશ ક્લાસ હોંશે હોંશે કરાવે છે. પણ આ સમયે સ્વ સુરક્ષાના પાઠ ભણાવાય તો જ સમાજમાં દુષ્કર્મ અને ઘરેલું હિંસાના બનાવ અટકશે. સાથે સાથે સમાજમાં સ્ત્રીનું સન્માન થશે માટે નાનપણથી જ દિકરીઓને આ રીતે પ્રશિક્ષણ આપવા અન્ય વાલીઓને અનુરોધ કર્યો છે. આ નાનકડી દીકરી દેવાંગીની આ સફળતા પાછળ નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળા પણ છે. આ શાળામાં ત્રણ વર્ષ પહેલાં યોજાએલ "કન્યા સુરક્ષા તાલીમ શિબિર" માં દેવાંગીએ તાલીમ મેળવી અને આ ક્ષેત્રે આગળ વધવા મનોમન નક્કી કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વાલ્લાની આ શાળા હંમેશ જીવન ઉપયોગી શિક્ષણના જીવંત પ્રયોગો કરી આગવું સ્થાન ધરાવે છે. જે આવનાર પેઢીને પઠનની સાથે સાથે જીવન ઉપયોગી પાઠ શીખવી રહી છે.