ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 24 ડિસેમ્બર 2021
શુક્રવાર.
ઉત્તર પ્રદેશમાં 2022 વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે તે પહેલા આવકવેરા વિભાગ દરોડા પાડી રહ્યું છે.તાજેતરમાં જ આવકવેરા વિભાગે સમાજવાદી પાર્ટી(સપા)ના મોટા નેતાઓના ઘરો પર દરોડા પાડ્યા હતા. સમાજવાદી પાર્ટીના નેતાઓ બાદ હવે આવકવેરા વિભાગની ટીમે કન્નૌજના અત્તરના મોટા વેપારી પિયુષ જૈનના ઘરે અને અન્ય ઠેકાણે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન મોટા પાયે કેશ અને નકલી ઈનવોઈસ મળી આવ્યા છે. જે જોઈને અધિકારીઓ ચોકી ગયા છે.
સૂત્રોના જણાવ્યાં મુજબ દરોડા બાદ આવકવેરાની ટીમને અત્તરના મોટા વેપારી પિયુષ જૈનના ઘરેથી રૂ. 150 કરોડથી વધુની રકમ મળી આવી છે. ગુરુવારે બપોરે આવકવેરા વિભાગની ટીમે જૈનના ઘરે દરોડા પાડ્યા હતા. અને દરોડાની કાર્યવાહી હજુ ચાલુ છે. દરોડા દરમિયાન મળી આવેલી ચલણી નોટોની ગણતરી માટે અત્યાર સુધીમાં 6 મશીન લાવવામાં આવ્યા છે. દરોડા દરમિયાન GST ચોરીનો મોટો ખેલ સામે આવ્યો છે. આવકવેરા અને જીએસટી વિભાગે 12 થી વધુ બોક્સનો ઓર્ડર આપ્યો છે જેથી કરોડો રૂપિયા રાખી શકાય.
આ ઉપરાંત આનંદપુરી વિસ્તારમાં પીયૂષ જૈનના ઘરેથી નોટોના મોટ-મોટા બંડલ મળી આવ્યા છે. જેની કેટલીક તસવીરો પણ સામે આવી છે. આ બંડલોને એ રીતે પેક કરવામાં આવ્યા હતા જેથી તેને આરામથી ગમે ત્યાં કુરિયર કરી શકાય. ખાસ વાત એ છે કે પીયૂષ જૈન અખિલેશ યાદવની નજીકના છે. અને તેણે હાલમાં જ 'સમાજવાદી' પરફ્યુમ પણ લોન્ચ કર્યું હતું. આ માટે તે ચર્ચાઓમાં પણ રહ્યા છે. અધિકારીઓનામ જણાવ્યા મુજબ પરફ્યુમ કન્નૌજમાં બને છે અને મુંબઈમાં તેમનો શોરૂમ છે. જ્યાંથી દેશ-વિદેશમાં પરફ્યુમ સપ્લાય કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે અહીં દરોડા બાદ બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવ્યું હતું. CGST એક્ટ 2017 ની કલમ 67 હેઠળ આવકવેરા દ્વારા બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું છે, જેથી તેમાં જે પણ રાખવામાં આવ્યું છે તેની સાથે છેડછાડ ન થઈ શકે.