ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 24 ડિસેમ્બર 2021
શુક્રવાર.
તમને જો ઓનલાઈન પેમેન્ટ કરવાની આદત હોય તો પહેલી જાન્યુઆરી 2022થી નવા નિયમો અમલમાં આવી રહ્યા છે તેના પર ધ્યાન આપજો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની નવી માર્ગદર્શિકા મુજબ પહેલી જાન્યુઆરી, 2022થી, એમેઝોન અને ફ્લિપકાર્ટ અને ઝોમેટો જેવી ઓનલાઇન ફૂડ ડિલિવરી કંપનીઓના પ્લેટફોર્મ પર ઓનલાઈન ઓર્ડર કરતા સમયે ગ્રાહકોને ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડની વિગતો દાખલ કરવી પડશે. જો ગ્રાહકો વારંવાર વિગતો દાખલ કરવાનું ટાળવા માંગતા હોય તો પોતાના કાર્ડને ટોકનાઇઝ કરવા માટે પ્લેટફોમર્ને મંજૂરી આપવી પડશે.
માર્ચ 2020 માં RBI દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર આ પગલાનો હેતુ ગ્રાહકોની કાર્ડની સિક્યોરીટીને સુરક્ષિત રાખવાનો છે અને વેપારીઓ દ્વારા ગ્રાહકની વિગતોને સેવ કરવાથી રોકવાનો છે. જોકે આ વર્ષે સપ્ટેમ્બરમાં રેગ્યુલેટરી બોડીએ સિક્યોરીટી અને સેફટીમાં સુધારવા કરવા માટે ગ્રાહકની મંજૂરી સાથે કાર્ડ ટોકનાઇઝેશન કરવાની મંજૂરી આપી હતી. તે માટે એડિશનલ ફેકટર ઓફ ઓથેન્ટિફીકેશનની ગરજ પડશે. આ કાર્ડની વિગતો જાહેર કર્યા વિના ઓનલાઇન ખરીદીની મંજૂરી આપે છે.
1 જાન્યુઆરી, 2022થી ગ્રાહકો તેમના ડેબિટ કે ક્રેડિટ કાર્ડની વિગતો ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર સાચવી શકશે નહીં. ગ્રાહકોએ દર વખતે ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરતી વખતે કાર્ડની વિગતો દાખલ કરવી પડશે. જો કે, જો ગ્રાહકો ફરી ફરી કાર્ડની વિગતો નાખવાનું ટાળવા માંગતા હોય તો ઈ-કોમર્સ કંપનીઓને તમારા કાર્ડને ટોકન કરવાની મંજૂરી આપી શકશે. ગ્રાહકોને મંજૂરી મળ્યા બાદ ઈ-કોમર્સ પ્લેટફોર્મ કાર્ડ નેટવર્કને પોતાની ગરજ મુજબ એડિશનલ ફેકટર ઓથેન્ટિફિકેશન સહિત ડીટેલ્સ એન્ક્રિપ્ટ કરવાનું કહેવામાં આવશે. એકવાર ઈ-કોમર્સ પ્લેટફોર્મ એનક્રિપ્ટેડ વિગતો મળશે એટલે ત્યાર બાદ ગ્રાહક આગામી ટ્રાન્ઝેક્શન માટે કાર્ડને સાચવી શકશે.
ઈ-કોમર્સ પ્લેટફોર્મ માત્ર માસ્ટરકાર્ડ અને વિઝા પ્રોવાઈડ કાર્ડને ટોકન કરી શકે છે. આગામી સમયમાં કદાચ શક્ય છે કે અન્ય નાણાકીય સેવાઓના કાર્ડ પણ ટોકનાઇઝ્ડ થઈ શકે. RBIની નવી માર્ગદર્શિકા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ બંને પર લાગુ થશે. નવી માર્ગદર્શિકા આંતરરાષ્ટ્રીય વ્યવહારો પર લાગુ થશે નહીં. RBIની નવી માર્ગદર્શિકામાં માત્ર ડોમેસ્ટિક કાર્ડ અને ટ્રાન્ઝેક્શનનો સમાવેશ કરવામાં આવશે. ગ્રાહકોએ કાર્ડ ટોકનાઇઝેશન માટે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. ટોકનાઇઝ્ડ કાર્ડના છેલ્લા 4 અંકો દેખાશે જેથી ગ્રાહકો સરળતાથી ઈ-કોમર્સ પ્લેટફોર્મને ઓળખી શકે.