ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 16 ડિસેમ્બર 2021
ગુરુવાર.
દેશભરમાં કોવિડ-19ના વેક્સિનેશનમાં મહારાષ્ટ્ર અગ્રેસર છે. છતાં હજી રાજ્યના અનેક શહેર જિલ્લામાં લોકો વેક્સિન લેવાનું ટાળી રહ્યા છે. ત્યારે નાશિકમાં હવે વેક્સિન નહીં લેનારાઓને સાર્વજનિક સ્થળે ફરવું મુશ્કેલ થઈ પડવાનું છે. જિલ્લા પ્રશાસને વેક્સિનેશનને લઈને સખત થવાનો નિર્ણય લીધો છે.
મહારાષ્ટ્રમાં માંડ માંડ કોરોના નિયંત્રણમાં આવ્યો છે. જોકે હવે કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનને કારણે ટેન્શન વધી ગયું છે. ત્યારે સરકાર પણ ઝડપથી વેક્સિનેશન ઝુંબેશને પૂરી કરવા માંગે છે. જોકે હજુ પણ અનેક લોકો વેક્સિન લેવાથી દૂર ભાગી રહ્યા છે. પ્રશાસનને લોકો દાદ આપતા નથી. આવા લોકોને સીધા દોર કરવા માટે સાર્વજનિક સ્થળે વેક્સિન વગરના લોકોને એન્ટ્રી નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાને મુદ્દે નાશિકના પાલક પ્રધાન છગન ભુજબળે સ્થાનિક પ્રશાસન સાથે બેઠક કરી હતી, જેમાં આ નિર્ણય લેવામા આવ્યો હતો. આ નિયમ 23 ડિસેમ્બર 2021થી અમલમા મૂકવામાં આવવાનો છે. નાગરિકોને એક અઠવાડિયાની મુદત આપવામાં આવી છે, ત્યારબાદ સાર્વજિક સ્થળ અને એસ્ટાબ્લિશમેન્ટમાં પ્રવેશ કરનારાઓને આ નિયમ લાગુ પડશે. વેક્સિન વગરની કોઈ વ્યક્તિ મળી આવશે તો સંબંધિત એસ્ટાબ્લિશમેન્ટને તે માટે જવાબદાર ગણવામા આવશે.
નાશિકમાં હાલ 401 દર્દી એક્ટિવ છે. જિલ્લામાં કોરોના પોઝિટિવિટી રેટ 0.8 ટકા છે. મ્યુકરમાયક્રોસિસના 12 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
'મેટ્રો મેન' ઇ શ્રીધરને સક્રિય રાજકારણને કહ્યું અલવિદા, જણાવ્યો આગળ શું છે પ્લાન