ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 નવેમ્બર, 2021
શનિવાર
27 ફેબ્રુઆરી 2002ની કાળી રાત આજે પણ કોઈ ભૂલી શક્યું નથી. જેમાં હિંદુ-મુસ્લિમ ભાઈચારાની ભાવના સળગી હતી. આ તે દિવસ હતો જ્યારે ગુજરાતના ગોધરામાં મુસ્લિમ બદમાશો દ્વારા એક ટ્રેનને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ટ્રેનમાં 90થી વધુ કાર સેવકોએ જીવ ગુમાવ્યા હતા. આ કેસ બાદ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. રમખાણોમાં 1200થી વધુ લોકોના મોત થયા હતા. તે ગોધરાકાંડના મુખ્ય આરોપી હાજી બિલાલનું મોત થયું છે. હાજી બિલાલ ઘણા દિવસોથી બીમાર હતો. બીમારીના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે 11 આરોપીઓની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. વર્ષ 2011માં SIT કોર્ટે 11ને ફાંસીની સજા અને 20ને આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસમાં કોર્ટે 63 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે ‘હાજી બિલાલને છેલ્લા ત્રણ ચાર વર્ષથી શારીરિક સમસ્યાઓના કારણે નાની મોટી સારવાર ચાલુ રહેતી હતી. વચ્ચે પેરોલ પર ગયેલો ત્યારે પણ તેની સારવાર ચાલુ હતી. જેલમાં હાજર થયા બાદ 22 નવેમ્બરથી તબિયત બગડતા તેને વડોદરાની SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. તેના પરિવારને જાણ કરવામાં આવી છે અને પોસ્ટ મોર્ટમની કાર્યવાહી ચાલુ છે. પ્રાથમિક તબક્કે બીમારીના કારણે તેનું મોત થયું હોવાનું પ્રસ્થાપિત થયું છે ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ બાદ જ જાણવા મળશે.’
એક રિપોર્ટ અનુસાર, 27 ફેબ્રુઆરી 2002ની આગલી રાત્રે એક ગેસ્ટ હાઉસમાં કાવતરું ઘડાયું હતું અને ટ્રેન સળગાવવા માટે 140 લિટર પેટ્રોલ એકત્ર કરવામાં આવ્યું હતું. દરમિયાન, ગેસ્ટહાઉસમાં કાવતરું ઘડતી વખતે હાજી બિલાલે હાજર તમામને ઉશ્કેરતા કહ્યું હતું કે, મૌલવી હુસૈન હાજી ઇબ્રાહીમ ઉમરજીએ આદેશ કર્યો છે કે અયોધ્યાથી આવતી સાબરમતી એક્સપ્રેસના એસ-6 માં કારસેવકો આવી રહ્યા છે, તેથી તે ડબ્બાને સળગાવી દેવાનો છે.’