ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર 2021
બુધવાર.
મુંબઈ મહાનગરપાલિકામાં અમુક કોન્ટ્રેક્ટરોના હિત માટે જ ટેન્ડર બહાર પાડવામાં આવતા હોય છે એવો આરોપ ભાજપના ઉપાધ્યક્ષ પ્રસાદ લાડે કર્યો છે. તેમણે મુંબઈ મહાપાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલને પત્ર લખીને મહાપાલિકાની ટેન્ડર પ્રક્રિયામાં નિયમો અને કેન્દ્રીય વિજિલન્સ કમિશનના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાની પણ ફરિયાદ કરી છે.
15 નવેમ્બર, 2021ના રોજ કમિશનરને પત્ર લખીને એવો આરોપ કર્યો છે કે ટેન્ડર પૂર્વે બેઠક લેવામા આવતી નથી. કોઈ પણ ટેન્ડર સૂચના મહાપાલિકાની વેબસાઈટ પર પ્રસિદ્ધ કર્યા પછી ટેન્ડરકર્તાઓ સાથે એક બેઠક લેવી જરૂરી છે. આ બેઠક અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે. આ બેઠકમાં ટેન્ડરકર્તાઓના પ્રશ્ન અને તેમની મુશ્કેલીઓની ચર્ચા થાય છે અને તેમાંથી પારદર્શકતા તારવી શકાય. તેમાંથી મહાપાલિકાનું હિત પણ સધાતું હોય છે. જોકે છેલ્લા થોડા સમયથી આ પદ્ધતિને દૂર કરવામાં આવી છે. તેમાંથી મહાપાલિકામાં ગેરરીતિ સામે આવી હોઈ પોતાની મરજીના ઠેકેદારોને ટેન્ડર આપવાનું કાવતરું પાર પાડવામાં આવી રહ્યું છે, એવો આરોપ પણ લાડે કર્યો છે. લાડે મહાપાલિકાના ક્લેવલેન્ડ બંદર આઉટફોલ, વરલી કોલીવાડા ખાતે ગોઠવવામાં આવેલા મેકેનિકલ સ્ક્રીન માટેનાં ટેન્ડરનો દાખલો આપ્યો છે. આ ટેન્ડર ઈજારાશાહીને વાચા આપનારી હોવાનું તેમણે કહ્યું હતું. ટેન્ડરમાં જે વિશિષ્ટતાઓની નોંધ કરવામાં આવી છે તે ઉત્પાદન ઈવા સ્ક્રીન્સ કંપની પાસેથી ઉત્પાદન કરાયાં છે. જે ઠેકેદારના આ કંપની સાથે કરાર હોય તેને જ કોન્ટ્રાક્ટ મળવાનો છે. આશ્ચર્યની વાત એ છે કે ટેન્ડરમાંની ઉત્પાદન વિશિષ્ટતા આ કંપનીની વેબસાઈટ પરથી જેમ છે તેમ કોપી પેસ્ટ કરવામાં આવી છે. આ ગુણ વિશિષ્ટતાઓમાં ટેન્ડરમાં જરૂરી બાબતોની નોંધ કરવા સમયે ચેડાં કરવામાં આવ્યાં છે. આ ટેન્ડર ચોક્કસ એક ઠેકેદારને નજર સામે રાખીને કાઢવામાં આવ્યું હોઈ તેને જ તે અપાશે. આ બાબત અત્યંત ગંભીર હોઈ તેની ઊંડાણથી તપાસ થવી જોઈએ એવી માગણી પણ પ્રસાદ લાડે કરી છે.