ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 નવેમ્બર, 2021
સોમવાર
બોલિવૂડની 'ક્વીન' કંગના રાણાવત આ દિવસોમાં પોતાના 'ભીખ મેં આઝાદી'ના નિવેદનને કારણે વિવાદોમાં ઘેરાયેલી છે. તેની ચારેબાજુથી ટીકા થઈ રહી છે. દરમિયાન દિગ્ગજ મરાઠી અને હિન્દી ફિલ્મ અભિનેતા વિક્રમ ગોખલે અભિનેત્રીના સમર્થનમાં સામે આવ્યા છે.
વિક્રમ ગોખલેએ પુણેમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં તેઓ કંગના રાણાવતના નિવેદન સાથે સંમત થયા હતા અને કહ્યું હતું કે ભારતને વર્ષ 2014માં વાસ્તવિક આઝાદી મળી હતી. કંગના રાણાવતે ગુરુવારે કહ્યું હતું કે ભારતને સાલ 2014માં વાસ્તવિક આઝાદી" મળી હતી. જ્યારે નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી અને એમ પણ કહ્યું કે દેશને 1947માં મળેલી આઝાદી ભીખમાં મળી હતી. આ નિવેદન બાદ કંગના રાણાવતની ઘણી ટીકા થઈ રહી છે.
વિક્રમ ગોખલેને તેમના 75માં જન્મદિવસે સન્માનિત કરવા માટે શહેરમાં બ્રાહ્મણ ફેડરેશન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે "કંગનાની વાત સાથે હું સહમત છું. આપણને ભીખ માગીને આઝાદી મળી છે. જે સ્વાતંત્ર્ય સેનાનીઓ આઝાદીને અંગ્રેજો પાસેથી છીનવી લેવા માગતા હતા તેમને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા હતા અને તે સમયના મોટા લોકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો.
વિક્રમ ગોખલેએ પાછળથી એમ પણ કહ્યું હતું કે, અભિનેત્રીએ જે કહ્યું છે તેની સાથે હું પણ સંમત છું કે અમને 2014માં વાસ્તવિક આઝાદી મળી હતી. જોકે ગોખલેએ કહ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આંધળા સમર્થક નથી. પરંતુ હા, જ્યારે વડાપ્રધાન રાષ્ટ્રીય હિતમાં કામ કરે છે ત્યારે હું તેમનું સમર્થન કરું છું.