ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 1 નવેમ્બર, 2021.
સોમવાર.
મહાવિકાસ આઘાડીના એક પછી એક મંત્રીઓના કૌભાંડો બહાર લાવી રહેલા ભાજપના નેતાએ હવે તેમની તોપ રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર અને તેમના પરિવાર તરફ તાકી છે. દિવાળી બાદ ત્રણ પ્રધાનો અને ત્રણ જમાઈનો કૌભાંડો હું બહાર લાવીશ એવુ રવિવારે ટવીટ કર્યા બાદ સોમવાર સોમૈયાએ પત્રકાર પરિષદ લીધી હતી. જેમાં તેમણે પવાર પરિવારના જમાઈ મોહન પાટીલ પાસે આટલા પૈસા કયાંથી આવ્યા? કેવી રીતે આવ્યા? તે કયાં ગયા? એવા સવાલો કરીને પવાર પરિવારને સાણસામાં લેવાનો પ્રયાસ કર્યો હતો. છ ફટાકડામાંથી એક ફટાકડો આજે ફોડયો છે. હિંમત હોય તો શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ સામે આવીને જવાબ આપવો જોઈએ એવી ચેલેન્જ પણ સોમૈયાએ કરી હતી.
પવાર પરિવારના જમાઈ બાદ સોમૈયાએ રાજ્યના નાયબ પ્રધાન અજીત પવાર સામે પણ ગંભીર આરોપ કર્યા હતા. બિલ્ડરો પાસેથી તેમના ખાતામાં ભરપૂર પૈસા આવ્યા છે. તે પૈસા અજિત પવારે કયા કયાં ટ્રાન્સફર કર્યા? જમાઈ, બહેન, પત્ની, દીકરો તથા પોતાની માતાના ખાતામાં અજીત પવારે આ પૈસા જમા કર્યા છે. અજીત પવારે કૌભાંડના પૈસા પૂરા પોતાના પરિવારના ખાતામાં જમા કર્યા હોવાનો આરોપ પણ સોમૈયાએ કર્યો હતો. 19 દિવસથી ઈડી ધાડ પાડી રહી છે. હજાર કરોડ રૂપિયાથી પણ વધારે બેનામી સંપત્તિ તેમની પાસે હોવાનો દાવો પણ સોમૈયાએ કર્યો હતો.