ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 1 નવેમ્બર, 2021.
સોમવાર.
રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા નવાબ મલિકે ડ્રગ્સ કારોબાર સાથે સંબંધ હોવાના આરોપને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ફગાવી દીધા હતા. સાથે જ તેમણે નવાબ મલિક પર અન્ડવર્લ્ડ સાથે સંબંધ હોવાનું કહીને ખળભળાટ મચાવી દીધો હતો. દિવાળીના પહેલા દિવસે નવાબ મલિકે લવંગ્યુ ફોડ્યું છે હવે દિવાળી બાદ હું બોમ્બ ફોડીશ એવી ચીમકી દેવેન્દ્ર ફડણવીસે આપી હતી.
સોમવારના વહેલી સવારના નવાબ મલિકે પત્રકાર પરિષદ લઈને સમીર વાનખેડે અને દવેન્દ્ર ફડણવીસ વચ્ચે પારિવારિક સંબંધ હોવાના અને ફડણવીસે ડ્રગ્સ કારોબાર સાથે સંકળાયેલા હોવાનો ધડાકો કર્યો હતો. તેની થોડી મિનિટોમાં જ દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદ લઈને નવાબ મલિકે કરેલા તમામ આરોપને ફગાવીને ઉલ્ટાનું તેમના પર અન્ડરવર્લ્ડ સાથે સંબંધ હોવાનું કહીને સનસનાટી મચાવી હતી.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે મલિકના અન્ડરવર્લ્ડ સાથે સંબંધ છે તેના પુરાવા તેઓ રાષ્ટ્રવાદીના નેતા શરદ પવારને આપશે. દિવાળીના પહેલા દિવસે તેઓ લંવગયુ ફોડીને મોટા દાવા કરી રહ્યા છે. તેઓ કઈ માનસિક હાલતમાં છે, તે બધાને ખબર છે. કોઈ વ્યક્તિ સાથે ફોટો બહાર પાડીને હું તેના ડ્રગ્સ કારોબાર સાથે સંકળાયેલો હોવાનો આરોપ હાસ્યસ્પદ હોવાનું પણ ફડણવીસે કહ્યું હતું. નવાબ મલિકના જમાઈ ડ્રગ્સ સાથે પકડાયા હતા. જો નવાબ મલિકનો રેશિયો જોઈએ તો આખી રાષ્ટ્રવાદી કોંગ્રેસ જ ડ્રગ્સ માફિયા થઈ જવી જોઈએ એવી દલીલ પણ ફડણવીસે કરી હતી.
હું કાચના ઘરમાં રહેતો નથી. જેમના અન્ડરવર્લ્ડ સાથે સંબંધ છે તેઓએ મારી સાથે વાત કરવી નહીં અને ડ્રગ્સ સંદર્ભમાં પણ કંઈ બોલવું નહી. તેઓના અન્ડરવર્લ્ડ સાથે સંબંધ હોવાના તમામ પુરાવા શરદ પવારને હું આપીશ.દીવાળી પૂરી થાય એની રાહ જુવો. શરૂઆત તમે કરી છે. અંત હું કરીશ એવો દાવો પણ દેવેન્દ્ર ફડણવીસે કર્યો હતો.