દહિસરવાસીઓ સાવધાન : મુંબઈના પ્રવેશદ્વાર દહિસર ચેકનાકાથી ડ્રગ્સ મુંબઈમાં આવ્યું; આટલા રૂપિયાનું ડ્રગ્સ પકડાયું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 27 ઑક્ટોબર, 2021

બુધવાર

હાલમાં મુંબઈમાં ક્રૂઝ પાર્ટી પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની છાપેમારી બાદ આખા દેશમાં જોરશોરથી એની ચર્ચા થઈ રહી છે. NCBએ કાર્યવાહીની તીવ્રતા વધારતાં મુંબઈમાં જુદી-જુદી જગ્યાએથી નશીલા પદાર્થો જપ્ત કરાઈ રહ્યા છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ 6એ દહિસર ચેકનાકા નજીકથી 24 કિલો ચરસ સાથે 4 લોકોની ધરપકડ કરી છે. એમાં બે મહિલાઓ પણ હતી. આરોપીઓના વાહનને પોલીસે તાબામાં લીધું છે. મુંબઈમાં આ ચરસ કોને વેચાય છે એની તપાસ પોલીસ કરી રહી છે.

 

મળેલી જાણકારી મુજબ આ ડ્રગ્સ રાજસ્થાનથી સડક માર્ગે મુંબઈ લાવવામાં આવી રહ્યું હતું. એવી જાણ પોલીસને થતાં દહિસર પોલીસ ચોકી પાસે ક્રાઇમ બ્રાન્ચની ટીમે જાળ બિછાવી હતી અને કાશ્મીરથી 24 કિલો ચરસનો જથ્થો રાજસ્થાન માર્ગે કારમાં મુંબઈમાં વેચવા લાવનારા આરોપીઓને પકડ્યા હતા. પોલીસને શંકા ન જાય એથી આરોપીઓએ બે મહિલાઓ પણ તેમની જોડે રાખી હતી. તેમણે કારના દરવાજા અને ડિકીમાં ખાસ જગ્યા બનાવીને ચરસનો જથ્થો છુપાવ્યો હતો. આ ચરસની કિંમત અંદાજે 1.44 કરોડ રૂપિયા જેટલી છે.

અરે વાહ શું વાત છે! હવે ઍરપૉર્ટ પહોંચવા માટે બોરીવલીથી ઍરકન્ડિશન બસ મળશે

ચારેય આરોપી પવઈમાં રહે છે. 52 વર્ષીય બંડુ તેની પત્ની ક્લેરા, પુત્રી સિંથિયા તેમ જ એક યુવક જસર જહાંગીરનો સમાવેશ થાય છે. આરોપી બંડુ કુટુંબ પ્રવાસના નામે કાશ્મીર જઈને ત્યાંથી ડ્રગ્સની દાણચોરી કરતો હતો.

ક્રાઇમ બ્રાંચની ટીમ એક મહિનાથી મુંબઈના પ્રવેશદ્વાર દહિસર ચેકપૉઇન્ટ પર છટકું ગોઠવીને ડ્રગ્સ સ્મગલરોની રાહ જોઈ રહી હતી.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *