ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑક્ટોબર, 2021
સોમવાર
તાજી હવા ખાવા અને મૉર્નિંગ વૉકર્સ તથા બાળકો માટે મુંબઈ પાલિકાએ મુંબઈમાં અનેક બગીચાઓ બનાવ્યા છે, પરંતુ સારસંભાળને અભાવે તેમ જ ઉદાસીન વલણને પગલે મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત બગીચાઓની હાલત બહુ વખાણવા લાયક નથી. એટલે કે આ બગીચા ખરા અર્થમાં બગીચા કહેડાવવાને લાયક નથી. તાજેતરમાં મુંબઈના બગીચાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાં પાલિકા સંચાલિત ફક્ત 18 ટકા બગીચા ઉત્તમ શ્રેણીમાં એટલે કે A કૅટૅગરીમાં આવ્યા હતા.
આ સર્વેમાં દરેક બગીચાને શ્રેણી સાથે યુનિક કોડ્સ આપવામાં આવ્યા છે. મૂલ્યાંકન કરવામાં આવેલા 500 ઉદ્યાનમાંથી 18 ટકા ઉદ્યાન A કૅટૅગરીમાં (અત્યંત સારી હાલતમાં) હતા, તો 70 ટકા ઉદ્યાન B કૅટૅગરી (ઉત્તમ હાલત)માં હતા, જ્યારે 12 ટકા ઉદ્યાન C કૅટૅગરી (સુધારો કરવાની આવશ્યકતા)માં આવ્યા હતા.
સર્વેક્ષણ દરમિયાન નાગરિકો પાસેથી અનેક સૂચનો મળ્યાં હતાં, જેમાં ઉદ્યાનમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે સુવિધાઓ હોવી જોઈએ. બગીચાઓના આસપાસના પરિસરમાં શૌચાલય હોવાં જોઈએ. પીવાના પાણીની સુવિધા હોવી જોઈએ.