ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 ઑક્ટોબર, 2021
શુક્રવાર
કાશ્મીરમાં પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે. આતંકવાદીઓ હુમલો કરીને ભાગી જઈને જંગલમાં છુપાઈ જતા હોય છે. એથી હવે ભારતીય લશ્કરે આતંકીઓને શોધી કાઢવા જોરદાર કાર્યવાહી ચાલુ કરી દીધી છે. જેમાં લશ્કરે જંગલમાંથી આતંકીઓને બહાર કાઢવા માટે મેંઢરના ભાટાદૂડિયાં જંગલમાં આગના ગોળા વરસાવાનું ચાલુ કરી દીધું છે. જંગલમાં છુપાઈ બેઠેલા પાકિસ્તાન પ્રેરિત આ આતંકીઓને બહાર કાઢવા તેમના કહેવાતા અડ્ડા પર આગના ગોળા ફેંકવામાં આવ્યા હતા. એથી જંગલમાં આગ લાગી ગઈ હતી. એક તરફ સેના દ્વારા આતંકીઓને ઝબ્બે કરવા ઘેરાવબંધી કરવામાં આવી રહી છે તો બીજી તરફ જંગલમાં કમાન્ડો અને સ્પેશિયલ ફોર્સ જંગલના ચપ્પા ચપ્પામાં ફરીને તેમને શોધી રહી છે.
અહીં ઉલ્લેખનીય છે કે ચમરેડના જંગલમાં 11 ઑક્ટોબરના આતંકીના પહેલા હુમલા બાદ 14 ઑક્ટોબરના ભાટાદુડિયામાં હુમલો કર્યો હતો. આ હુમલામાં નવ જવાનો શહીદ થઈ ગયા હતા.