ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑક્ટોબર, 2021
મંગળવાર
શેરબજારમાં ઉપલા સ્તરેથી વેચવાલીનું દબાણ જોવા મળતા બીએસઈ બેન્ચમાર્ક સેન્સેક્સમાં સળંગ સાત દિવસની તેજીને બ્રેક લાગી છે.
સપ્તાહના બીજા કારોબારી દિવસે સેન્સેક્સ 61,716.05ના સ્તર પર બંધ થયું, જ્યારે તેણે દિવસની શરૂઆત 62,156.48ના સ્તરેથી કરી હતી.
નિફ્ટીમાં પણ 53.70 અંકોનો ઘટાડો નોંધાયો અને તે 18,423.35ના સ્તરે બંધ થયું, જ્યારે નિફ્ટીની શરૂઆત 18,602.35ના સ્તર પર થઈ હતી.
આર્થિક રિકવરીથી વૃદ્ધિને વેગ મળશે તેવા પ્રોત્સાહક નિવેદન વચ્ચે પણ મંદીના ખેલાડીઓની પકડ માર્કેટમાં મજબૂત થતા દિવસનો સુધારો ધોવાઈ ગયો હતો.
મોંઘા ક્રૂડ ઓઈલની આયાતથી દેશની ચાલુ ખાતાની ખાધ વધવાની વકી અને વિદેશી સંકેતો પાછળ શેરબજારમાં સાત સેશન પછી વેચવાલી જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે વિતેલા સાત સેશનમાં સેન્સેક્સમાં 4.35 ટકા તેમજ નિફ્ટીમાં 4.71 ટકાનો પ્રોત્સાહક ઉછાળો નોંધાયો હતો.