ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑક્ટોબર, 2021
મંગળવાર
બહારગામની ટ્રેન પકડવા આવતા પ્રવાસીઓ માટે સેન્ટ્રલ રેલવેએ ટ્રેનના કોચમાં જ રેસ્ટોરાં બનાવી દીધી છે. સેન્ટ્રલ રેલવેએ નવતર પ્રયોગ કર્યો છે, જે હેઠળ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર પ્લૅટફૉર્મ નંબર 18ના છેવાડે એટલે કે પી. ડી’મેલો રોડના એન્ટ્રસ પાસે ટ્રેનના કોચમાં રેસ્ટોરાં ઊભી કરી દીધી છે.

સોમવારે ચાલુ થયેલી રેલવેની ‘રેસ્ટોરાં ઑન વ્હીલ્સ’ને પ્રવાસીઓ તરફથી પણ ભરપૂર પ્રતિસાદ મળ્યો છે. આ રેસ્ટોરાં મારફત રેલવે વાર્ષિક 42 લાખ રૂપિયાની આવક રળશે.

સેન્ટ્રલ રેલવે ભવિષ્યમાં પોતાના અન્ય મોટા ટર્મિનસ જેવાં કે કલ્યાણ, લોકમાન્ય ટિળક ટર્મિનસ તથા થાણે સ્ટેશન પર પણ ‘રેસ્ટોરાં ઑન વ્હીલ્સ’ ચાલુ કરવાની યોજના બનાવી રહ્યું છે. વેસ્ટર્ન રેલવેમાં પણ બાંદરા, બોરીવલી અને સુરત સ્ટેશન પર આ સુવિધા ઊભી કરવામાં આવવાની છે.

મુલુંડમાં કોરોનાની ભવ્ય હૉસ્પિટલનો પ્રસ્તાવ આ વિવાદને લીધે રખડી પડ્યો છે; જાણો વિગત

રેલવેના દાવા મુજબ તેમની ‘રેસ્ટોરાં ઑન વ્હીલ્સ’માં ભોજનના દર અન્ય હૉટેલો કરતાં ઓછા રાખવામાં આવ્યા છે. આ રેસ્ટોરાંમાંથી ઑનલાઇન ફૂડ સર્વિસની યોજના પણ છે.

એટલું જ નહીં, પણ ટર્મિસન પર 24 કલાક પ્રવાસીઓની ભીડ રહેતી હોય છે. એથી પ્રવાસીઓની સગવડને ધ્યાનમાં રાખીને આ રેસ્ટોરાં 24 કલાક ચાલુ રહેશે. એક વખતમાં અહીં 40 લોકો બેસી શકશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
એટલું જ નહીં પણ રેલવે પ્રવાસી ઉપરાંત બહારની પણ કોઈ પણ વ્યક્તિ આ રેસ્ટોરાંમાં આવી શકશે.