ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021
સોમવાર
કોરોનાને પગલે આ વર્ષે ફેબ્રુઆરીમાં પર્યટકો માટે બંધ કરી દેવામાં આવેલા ભાયખલાના વીરમાતા જિજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલયના દરવાજા ફરી ખુલ્લા મુકાવાના છે. નવેમ્બરના પહેલા અઠવાડિયામાં દિવાળી દરમિયાન પર્યટકો રાણીબાગની મુલાકાત લઈ શકશે. પર્યટકો હાલ નવજાત પેંગ્વિનનાં બચ્ચાંને જોવા માટે આતુર છે. બહુ જલદી કોરોનાને લગતા તમામ નિયમોનું પાલન કરવાની સાથે રાણીબાગ ખુલ્લું મૂકવામાં આવશે એવું રાણીબાગના ડાયરેક્ટર ડૉ. સંજય ત્રિપાઠીએ જણાવ્યું હતું.
મુંબઈમાં માર્ચ મહિનામાં કોરોનાનો પહેલો દર્દી નોંધાયો હતો. 23 માર્ચ, 2020થી દેશભરમાં લૉકડાઉન લાદી દેવામાં આવ્યું હતું. ત્યારથી રાણીબાગ પર્યટકો માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. 2021ના ફેબ્રુઆરીમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં રાણીબાગને ફરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જોકે કોરોનાની બીજી લહેરને પગલે થોડા દિવસમાં જ એટલે કે 4 એપ્રિલ, 2021થી ફરી રાણીબાગને બંધ કરવું પડ્યું હતું. હવે કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. ત્રીજી લહેરની શક્યતા નહિવત્ છે. એથી લગભગ નવ મહિનાના ગાળા બાદ નવેમ્બરમાં ફરી પર્યટકો રાણીબાગની મુલાકાતે જઈ શકશે.
કાપડ બજાર દિવાળીની પ્રતીક્ષામાં; ધંધો વધે તેવી વ્યાપારીઓને આશા
રાણીબાગમાં જોકે કોરોનાને લગતા તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. એમાં દિવસના ફક્ત 10,000 મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે. ભીડ ન થાય એ માટે 40 સિક્યૉરિટી ગાર્ડ ખાસ તહેનાત કરાશે. રાણીબાગમાં ઠેરઠેર સેનિટાઇઝર મૂકવામાં આવશે. તેમ જ પ્રાણીઓનાં પાંજરાંઓને ગ્લાસથી બંધ રાખવામાં આવશે, જેથી પર્યટકોના સંપર્કમાં આવે નહીં. માસ્ક સિવાય કોઈને પણ અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં.