ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021
સોમવાર
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. મુંબઈમાં તો લગભગ 18 મહિના બાદ રવિવારે કોરોનાથી એક પણ મૃત્યુ થયું નથી. જો આ ટ્રેન્ડ ચાલુ રહ્યો અને કેસમાં આ પ્રમાણે જ ઘટાડો રહ્યો તો દિવાળી બાદ કોવિડની વેક્સિનનો સિંગલ ડોઝ લેનારી વ્યક્તિને પણ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ મળી શકશે. લોકલ ટ્રેન, મૉલ, થિયેટર સહિત તમામ જગ્યાએ આ લોકોને પ્રવેશ આપવા બાબતે વિચાર ચાલી રહ્યો હોવાનું મહારાષ્ટ્રના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું.
હાલ વેક્સિનનો એક ડોઝ લેનારી વ્યક્તિને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ નથી. તેમ જ મૉલમાં પણ પ્રવેશ નથી. એથી દિવાળી બાદ સંખ્યામાં આ પ્રમાણેનો ઘટાડો થયો તો સિંગલ ડોઝ લેનારી વ્યક્તિઓને તમામ જગ્યાએ પ્રવેશ આપવામાં કોઈ વાંધો નથી. જોકે દિવાળી બાદ કોરોનાના કેસનો અભ્યાસ કરવામાં આવશે. ત્યારબાદ ટાસ્ક ફોર્સ સાથે આ બાબતે ચર્ચા કર્યા બાદ મુખ્ય પ્રધાન આ બાબતે નિર્ણય લેશે એવું રાજેશ ટોપેએ કહ્યું હતું. જોકે આ તમામ જગ્યાએ જવા માટે સંબંધિત વ્યક્તિઓએ પોતાના મોબાઇલમાં આરોગ્ય સેતુ ઍપ રાખવી પડશે. ઍપમાં વૅક્સિનના ડોઝ સંબંધી માહિતી હોવાથી લોકોને પ્રવેશ આપવો સરળ રહેશે.