ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 16 ઓક્ટોબર, 2021
શનિવાર.
બોરીવલી(વેસ્ટ)માં ફૂટપાથ પર અતિક્રમણ કરવું સામાન્ય બાબત થઈ ગઈ છે. વારંવાર નગરસેવકોને ફરિયાદ કર્યા બાદ પણ ફૂટપાથની સમસ્યાનો કોઈ ઉકેલ આવતો ન હોવાની નારાજગી પણ સ્થાનિક રહેવાસીઓ સતત વ્યકત કરી ચૂકયા છે.

બોરીવલી(વેસ્ટ)માં સ્ટેશન બહારના અનેક વિસ્તારના મૂળમાં ફૂટપાથનનું અસ્તિત્વ જ નથી. રસ્તાને લાગીને જ વરસાદી પાણીનો નિકાલ કરનારી પાઈપલાઈન છે, તેનું કોંક્રીટીકરણ કરીને ઢાંકીને તેના ઉપર પેવર બ્લોક બેસાડવામાં આવ્યા છે. એટલે કે ગટરનો ઉપયોગ ફૂટપાથ તરીકે થઈ રહ્યો છે. જોકે ફૂટપાથ પર ચાલવાને જગ્યા જ નથી. આ ફૂટપાથ પરના પેવર બ્લોક હટાવીને ગેરકાયદે રીતે ફેરિયાઓએ અડિંગો જમાવી દીધો છે. તો અનેક જગ્યાએ દુકાનવાળાએ ફૂટપાથ પર કબજો જમાવી દીધો છે.

ખાસ કરીને બોરીવલી(વેસ્ટ)માં એસ.વી.રોડ પરના ગોયલ શોપિંગ સેન્ટર પાસે એલ.ટી.માર્ગ જંકશન સુધી અને આગળ મંગલ કુંજ સુધીની ફૂટપાથ પરથી પેવર બ્લોક કાઢી નાખવામાં આવ્યા છે. તેનું કામ આગળ જ વધ્યું જ નથી. સ્ટેશન રોડને અડીને આવેલી ફૂટપાથ પર લોકોને ચાલવા જગ્યા જ નથી બચી એવી નારાજગી સ્થાનિક રહેવાસી વ્યકત કરી રહ્યા છે. એલ.ટી.માર્ગ પર રહેલી આખી ફૂટપાથ તૂટેલી હાલતમાં છે. અનેક જગ્યાએ પેવર બ્લોક તૂટી ગયા છે. ફેરિયાઓએ અહીં પણ અડિંગો જમાવી દીધો છે. સાગર હોટલ નજીક મહારાષ્ટ્ર નગરના બસ સ્ટોપ પાસે પણ એવી જ હાલત છે.

સ્ટેશનથી આગળ વર્ધમાન સ્થાનિક જૈન સંઘ સુધીના રસ્તા પર વરસાદી પાણીની નિકાલ કરનારી પાઈપલાઈન જ પર દુકાનો ઊભી થઈ ગયેલી છે. દુકાનોએ રસ્તા સુધી જગ્યા કબજે કરી લીધી છે. તેને કારણે આ ગટરો સાફ થઈ શકતી નથી. તેથી વરસાદમાં અહીં પાણી ભરાઈ જતા હોય છે. આગળ રાધાકૃષ્ણ હોટલ પાસે આવેલા ફૂટપાથના કામ પણ એમજ છોડી દેવામાં આવ્યા છે. મંગલકુંજ અને જાંબલી ગલીમાં પણ હાલત કંઈક એવી જ છે. આ બિલ્ડિંગોની બહાર ફૂટપાથ પર રેલિંગ બેસાડવામાં આવી હતી. તેને તોડી પાડીને ફેરિયાઓએ અહીં પણ અડિંગો જમાવી દીધો છે.