ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑક્ટોબર, 2021
ગુરૂવાર
ભારતના ગૃહ ઉદ્યોગ અને નાના વેપારીઓને ખતમ કરવાનું ષડ્યંત્ર કરનારી ઈ-કૉમર્સ કંપની સામે CBI તપાસની માગણી દેશભરના વેપારીઓનું પ્રતિધિત્વ કરનારી કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ કરી છે. પોતાનાં ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે અને તેમનું વેચાણ કરવા માટે એમેઝોન અન્ય ઉત્પાદકોના પ્રોડક્સની ડુપ્લિકેટ બનાવીને વેચી રહી હોવાનો આરોપ પણ CAIT દ્વારા કરવામાં આવ્યો છે.
CAITના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરના જણાવ્યા મુજબ ઈ-કૉમર્સ વિદેશી કંપનીઓએ તમામ નિયમોનું પાલન કરવું પડશે એવું સતત કહેવામાં આવી રહ્યું છે. છતાં તેઓ દેશના કાયદા-કાનૂનનું ઉલ્લંઘન કરી રહ્યા છે. એટલું જ નહીં, પણ સ્થાનિક ઉત્પાદનોની નકલ કરીને પોતાની બ્રાન્ડને પ્રોત્સાહન આપવાનું કામ પણ આ કંપની કરી રહી છે. આ રીતે તે દેશના નાના વેપારીઓને અને દેશના નાના વેપારધંધાને ખતમ કરવાનું રીતસરનું કાવતરું કરી રહી છે.
CAITના પદાધિકારીઓના કહેવા મુજબ એમેઝોન સામે કાયદા-કાનૂનનો ભંગ કરવાના, કરચોરી જેવા અનેક આરોપો છે. દેશના અધિકારીઓને રુશવત આપવાના અને વકીલો પાછળ કરોડો રૂપિયા ખર્ચવાના પણ તેમના પર આરોપ છે. હવે જોકે એણે રીતસરનું ઉત્પાદનોની નકલ કરીને એને વેચવાનું ચાલુ કર્યું છે. એથી તેની આ બધી કરતૂતોની CBI દ્વારા તપાસ થવી જોઈએ.