ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઓક્ટોબર 2021
શનિવાર.
આસો નવરાત્રીનો આજે ત્રીજો દિવસ છે. આજના દિવસે માતા ચંદ્રઘંટા એટલે કે દુર્ગામાતાના ત્રીજા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. દેવી ચંદ્રઘંટાના મસ્તક પર રત્નજડિત મુગટ છે જેના પર અર્ધચંદ્રમાની આકૃતિ જોવા મળે છે અને તેમાં એક ઘંટી લટકે છે. પોતાના આ અદભૂત મુગટના કારણે દેવી ચંદ્રઘંટાના નામે ઓળખાય છે. માં ચંદ્રઘંટાનું વાહન સિંહ છે. તેમની દસ ભુજાઓ છે. માતાજીના હાથમાં કમળનું ફૂલ, ધનુષ, જપ માળા અને તીર છે. બાકીના હાથોમાં ત્રિશૂળ, ગદા, કમંડળ અને તલવાર છે. માતાજીનો પાંચમો હાથ અભય મુદ્રામાં રહે છે. દેવીનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે.
માતા ચંદ્રઘંટાની પૂજા કરતી વખતે દુર્ગા સપ્તશતીના પાઠના પાંચમા અધ્યાયનું જરૂર પઠન કરવું જોઈએ અને માતાને દૂધનો ભોગ ચઢાવવો જોઈએ. પૂજા બાદ તમે દૂધનું દાન પણ કરી શકો છો. આમ કરવાથી તમામ પ્રકારના દુખોથી મુક્તિ મળે છે. કહેવાય છે કે માતા ચંદ્રઘંટાની સાચા મનથી પૂજા કરવાથી તમામ જન્મોના કષ્ટો અને પાપોથી મુક્તિ મળે છે. માતાની ઉપાસનાથી ભક્તોને ભૌતિક, આત્મિક, આધ્યાત્મિક સુખ શાંતિ મળે છે અને ઘર પરિવારથી નકારાત્મક ઉર્જા એટલે કે કલેશ અને અશાંતિ દૂર થાય છે.
માતા ચંદ્રઘંટાની પૂજાનો મંત્રઃ
"ऐश्वर्य यत्प्रसादेन सौभाग्य-आरोग्य सम्पदः।
शत्रु हानि परो मोक्षः स्तुयते सान किं जनै॥"
પિણ્ડજપ્રવરારૂઢા ચણ્ડકોપાસ્તકેર્યુતા ।
પ્રસાદં તનુતે મહ્યં ચંદ્રઘણ્ટેતિ વિશ્રુતા ॥