ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર.
પર્યાવરણના સવંર્ધન માટે અને પ્રદૂષણને નાથવા થોડા સમય પહેલા જ મહારાષ્ટ્ર સરકારે ઈલેક્ટ્રિક વાહનોને લગતી પોલિસી જાહેર કરી હતી. વધુને વધુ લોકો ઈલેક્ટ્રિક વાહનો તરફ વળે તેથી તેમને પ્રોત્સાહન આપવા માટે સરકારે કરવેરામાં અનેક છૂટછાટો આપવાની છે. સરકારની નવી ઈલેક્ટ્રિક વાહનોને લગતી પોલિસી જાહેર થયા બાદ સરકારી તથા મુંબઈ મહાનગરપાલિકાની માલિકીના પણ વાહનો ધીમે ધીમે ઈલેક્ટ્રિકમાં વાહનોમાં રૂપાંતરિત થવાના છે.
2025ની સાલ સુધીમાં 15 ટકા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પણ ઈલેક્ટ્રિક વાહનો આધારિત હશે. તો 2023 સુધીમાં 50 ટકા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પણ ઈલેક્ટ્રિક વાહન આધારિત હોવાની પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે જાહેરાત કરી છે. ભવિષ્યમાં આટલી મોટી સંખ્યામાં ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં સામે મોટી સંખ્યામાં ચાર્જિગ સ્ટેશનની પણ આવશ્યકતા નિર્માણ થવાની છે. તેથી મુંબઈમાં 55 સ્થળોએ ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવવાના છે. આગામી 3થી 4 મહિનામાં પ્રાઈવેટ-પબ્લિક પાર્ટનરશીપ હેઠળ આ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે. અહીં ફકત સરકારી જ નહીં પણ ખાનગી વાહનો પણ ચાર્જ કરી શકાશે એવું બેસ્ટના જનરલ મેનેજર લોકેશ ચંદ્રાએ જણાવ્યું હતું.