ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021
સોમવાર
ભારતીય બૅન્ક ઍસોસિયેશનની વાર્ષિક જનરલ બેઠકનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું હતું. આ બેઠકને સંબોધતાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે આર્થિક વિકાસની ગતિ વધારવા માટે દેશને SBI જેવી 4 કે 5 મોટી બૅન્કોની જરૂર છે. દેશનું અર્થતંત્ર નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે અને જે રીતે ઇન્ડસ્ટ્રી નવી વસ્તુઓ અપનાવી રહી છે, એના કારણે ઘણા પડકારો ઊભા થયા છે. આ પડકારોનો સામનો કરવા અને ઉદ્યોગ જગતની જરૂરિયાતોને પહોંચી વળવા માટે માત્ર નવી જ નહીં, પરંતુ મોટી બૅન્કોની પણ જરૂર છે. આ પ્રસંગે કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડૉ. ભાગવત કરાડ, SBIના ચૅરમૅન દિનેશકુમાર ખારા સહિત તમામ બૅન્કોના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બોરીવલીના વેપારીઓએ આખરે કરી દેખાડ્યું : સ્કાયવૉકનું કામ બંધ; જાણો વિગત
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને વધુમાં કહ્યું હતું કે અર્થતંત્ર અને ઉદ્યોગમાં તાજેતરના ફેરફારોની પૃષ્ઠભૂમિમાં બદલાયેલી વાસ્તવિકતાઓને પહોંચી વળવા માટે આપણે બૅન્કિંગ ક્ષેત્રને વિસ્તૃત કરવાની જરૂર છે. બૅન્કો ઝડપી બનવાની જરૂર છે. તેઓએ દરેક એન્ટરપ્રાઇઝની જરૂરિયાતને સમજવી પડશે, જેથી $ 400 બિલિયનનું નિકાસલક્ષ્ય પ્રાપ્ત કરી શકાય. નાણામંત્રીએ કહ્યું કે રાષ્ટ્રીય સંપત્તિ પુનર્ગઠન કંપની (NARCL)ને 'બૅડ બૅન્ક' ન કહેવી જોઈએ, કારણ કે એને અમેરિકામાં કહેવામાં આવે છે.
સભાને સંબોધતાં નાણાં રાજ્યમંત્રી ડૉ.ભાગવત કરાડે જણાવ્યું હતું કે અર્થતંત્રને કોવિડ સંકટમાંથી બચાવવા માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલા 'આત્મનિર્ભર ભારત' સહિતના વિવિધ નાણાકીય રાહત પૅકેજોનો લાભ લેવામાં જાહેર ક્ષેત્રની બૅન્કોની ભૂમિકા સરાહનીય છે. વધુમાં કહ્યું કે તમામ જાહેર ક્ષેત્રની બૅન્કોએ ‛Ease 3.0 અને 4.0’ સુધારાઓને આધુનિક બનાવવા અને અમલમાં મૂકવા માટે ખાસ પ્રયત્નો કરવા પડશે.