ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
બે દિવસથી મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ફરી વરસાદનું જોર જામ્યું છે, જે મુંબઈગરા માટે શુભદાયી સાબિત થયું છે. મુંબઈને પાણી પૂરું પાડનારાં જળાશયોમાં સોમવાર સવાર સુધીમાં 99.22 ટકા પાણી જમા થઈ ગયું હતું. વરસાદનું જોર જોતાં સાંજ સુધીમાં જળાશયોમાં 100 ટકા પાણી જમા થઈ જશે એવી શક્યતા મુંબઈ મનપાના પાલિકા પુરવઠા ખાતાએ વ્યક્ત કરી હતી. જળાશયો ફૂલ કેપેસિટીથી ભરાઈ જતાં મુંબઈગરાનું આવતા વર્ષના જુલાઈ સુધીની પાણીની ચિંતા ટળી ગઈ છે.
બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે મુંબઈ સહિત રાજ્યમાં ફરી વરસાદનું આગમન થયું છે. જળાશયોના કેચમેન્ટ એરિયામાં સારો વરસાદ પડી રહ્યો છે. તેથી સોમવાર સવાર સુધીમાં જળાશયો તેની ફુલ ક્ષમતાએ પહોંચી ગયાં હતાં. છેલ્લાં બે વર્ષની સરખામણીમાં સોમવારે જળાશયોમાં પાણીનો વધુ સ્ટૉક છે. ગયા વર્ષે આ જ સમયે જળાશયોમાં 98.29 ટકા તો 2019માં 97.85 ટકા પાણીનો સ્ટૉક હતો.
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈને પ્રતિદિન 3,850 મિલિયન લિટર પાણી પ્રતિદિન પૂરું પાડવામાં આવે છે. આખું વર્ષ પાણીકાપ વગર મુંબઈને પાણી પૂરું પાડવા માટે પહેલી ઑક્ટોબરના જળાશયમાં 14,47,363 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટૉક હોવો જોઈએ. સોમવાર સવારના તમામ જળાશયોમાં 14,36,126 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટૉક હતો. ચોમાસાને પૂરું થવાને હજી થોડા દિવસ બાકી છે. તેથી કેચમેન્ટ એરિયામાં વરસાદનું જોર રહેતાં પાલિકાના પાણી ખાતાની ચિંતા ટળી ગઈ છે.