ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021
શનિવાર
મહારાષ્ટ્રમાં હાલ શિવસેના, રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ અને કૉન્ગ્રેસની મહાવિકાસ આઘાડીનું શાસન ચાલી રહ્યું છે. એમાં દર બીજા દિવસે ભાજપના નેતાઓ આ સરકાર તૂટી પડવાની ભવિષ્યવાણી કરતા હોય છે. એવામાં રાજ્યના મરાઠવાડામાં એક કાર્યક્રમ દરમિયાન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ભૂતકાળ અને વર્તમાનના મંત્રીઓ પાછા એક છત હેઠળ આવી શકે છે એવું નિવદેન આપતાં રાજકીય સ્તરે ખળભળાટ મચી ગયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી રાવસાહેબ દાનવે અને અર્થ રાજ્યમંત્રી ભાગવત કરાડ પણ હાજર હતા.
પ્રામાણિકતાની કસોટીમાં મુંબઈના નાગરિકોનો વિશ્વમાં બીજો નંબર આવ્યો, આ રીતે થઈ હતી મુંબઈવાસીઓની પરીક્ષા
કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેએ ભાષણ દરમિયાન વર્તમાન અને ભૂતકાળના નેતાઓ એક થાય તો ભવિષ્યમાં સહકારી બની શકે છે. જોકે તેના વિશે આવનારો સમય જ નક્કી કરશે, એવી ટિપ્પણી તેમણે ભાજપના નેતાઓ તરફ જોઈને કરી હતી. તેમના આ નિવેદનથી ભાજપ અને શિવસેના ફરી એકસાથે આવશે અને મહાવિકાસ આઘાડીની સરકાર તૂટી પડશે એવું દિવસભર રાજકીય સ્તરે ચર્ચાતું રહ્યું હતું. અનેક તર્કવિર્તક વચ્ચે મુખ્ય પ્રધાનના આ ચોંકાવનારા નિવેદન બાબતે મહાવિકાસ આઘાડીના નેતાઓએ તેમની સરકાર પાંચ વર્ષ પૂરાં કરશે એવો દાવો કર્યો હતો.