ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021
શનિવાર
મુંબઈ-નાગપુર હાઈવે એટલે સમૃદ્ધિ હાઈવેનું કામ કરનારા કૉન્ટ્રૅક્ટરે મોટા પ્રમાણમાં ગેરકાયદે રીતે દુલર્ભ કહેવાતી ખનિજનું ઉત્ખનન કરીને કરોડો રૂપિયાની ઉચાપાત કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સમૃદ્ધિ હાઈવે બનાવનારા કૉન્ટ્રૅક્ટર મેસર્સ મોન્ટે કાર્લો લિમિટેડને એ માટે લગભગ 328 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. એની સામે કૉન્ટ્રૅક્ટર બૉમ્બે હાઈ કોર્ટની ઔરંગાબાદ ખંડપીઠમાં ગયો હતો. પરંતુ કોર્ટે કૉન્ટ્રૅક્ટરને દંડ ભરવો જ એવો ચુકાદો આપ્યો છે.
જાલનાના તહેસીલદારે કૉન્ટ્રૅક્ટરને આ દંડ ફટકાર્યો છે. આ દંડ વિરુદ્ધ કૉન્ટ્રૅક્ટરે મુંબઈ હાઈ કોર્ટની ઔરંગાબાદ ખંડપીઠમાં અપીલ કરી હતી. ત્રણ અલગ અલગ અરજીને જસ્ટિસ મંગેશ પાટીલે ફગાવી દીધી હતી. એટલું જ નહીં પણ હાઈ કોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવા સુધી વચગાળાનો સ્ટે કાયમ રાખવાની કંપનીની વિનંતીને પણ કોર્ટે અમાન્ય રાખી હતી. એથી કંપનીને તાત્કાલિક 328 કરોડ રૂપિયાનો દંડ ભરવો પડ્યો છે.