ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021
શનિવાર
ક્રિકટેર રવીન્દ્ર જાડેજાના પરિવારમાં પત્ની અને બહેન વચ્ચે માસ્કને લઈને વિવાદ ઊભો થઈ ગયો છે. રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલાં છે તો બહેન નયનાબા કૉન્ગ્રેસ સાથે જોડાયેલાં છે. તેમના વચ્ચે માસ્ક પહેરવાને લઈને રાજકીય જંગ છેડાઈ ગયો છે.
રીવાબા ભાજપની સાથે જોડાયેલાં હોવાની સાથે જ કરણી ક્ષત્રિય સેનાના સૌરાષ્ટ્ર એકમનાં અધ્યક્ષ પણ છે. બહેન નયનબા કૉન્ગ્રેસ સાથે જોડાયેલાં છે, જેમાં તેમનાં બહેન અને પિતા સાથે છે.
રીવાબા અને નયનબા વચ્ચે રાજકીય કાર્યક્રમ બાદ વિવાદ થયો હતો. આ કાર્યક્રમમાં ભારે ભીડ ભેગી થઈ હતી, જેમાં હાજર રહેલાં રીવાબાએ બરોબર માસ્ક નહોતું પહેર્યું. તેના પર નયનાબાએ ટીકા કરતાં કહ્યું હતું કે આવા લોકો ગુજરાતમાં ત્રીજી લહેર માટે જવાબદાર હશે.
માસ્કને લઈને પરિવારમાં ટકરાવ ઊભો થઈ ગયો છે, જેમાં રવીન્દ્ર જાડેજાએ પોતાનાં પત્ની રીવાબાને સાથ આપ્યો છે, તો નયનાબાની પડખે તેમનો બાકીનો પૂરો પરિવાર હોઈ તેમને સમર્થન આપ્યું છે.
અહીં ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ રીવાબા ઑગસ્ટ 2020માં માસ્ક નહીં પહેરવાને લઈને વિવાદમાં આવ્યાં હતાં. કારથી ઊતરતાં સમયે તેમણે માસ્ક પહેર્યું ન હોવાથી પોલીસે તેમને રોકી દીધાં હતાં, ત્યારે પણ માસ્કને લઈને ભારે વિવાદ થયો હતો.