ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ કહેવાતો મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ લાંબા સમયથી જમીન સંપાદનને લઈને અટવાઈ ગયો છે. ગુજરાતમાં લગભગ 90 ટકા જમીનનું સંપાદન થઈ ગયું છે, પરંતુ મહારાષ્ટ્રમાં જમીન સંપાદનને લઈને કામ અટવાઈ ગયું છે, ત્યારે શિવસેનાના તાબામાં રહેલી થાણે મહાનગરપાલિકા બુલેટ ટ્રેન માટે જમીન આપવા તૈયાર થઈ ગઈ છે. શિવસેનાનું વલણ બદલાઈ જતાં રાજકીય સ્તરે એની ચર્ચા થવા માંડી છે.
બુલેટ ટ્રેન માટે થાણે મહાનગરપાલિકાએ પોતાની માલિકીનો 3,849 મીટરનો પ્લૉટ આપવા માટે લીલી ઝંડી આપી દીધી છે. થાણે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં એને લગતો પ્રસ્તાવ કોઈ પણ જાતની ચર્ચા વગર મંજૂર કરી દેવામાં આવ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા સતત શિવસેના પર જાણીજોઈને બુલેટ ટ્રેન માટે જમીન આપવામાં આવતી ન હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો હતો.
ડિસેમ્બર 2020થી આ પ્રસ્તાવ થાણે મહાનગરપાલિકામાં મંજૂરીની રાહમાં હતો. સત્તાધારી પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ગ્રીન સિગ્નલ આપતાં જ થાણે મહાનગરપાલિકામાં આ પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો હોવાનું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે. પાલઘર, થાણે જિલ્લાના ખેડૂતો જમીન આપવાના વિરોધમાં છે. એમાં શિવસેના પણ તેમની સાથે હતી. એથી લાંબા સમયથી મહારાષ્ટ્રમાં જમીન સંપાદનનું કામ થઈ શક્યું ન હોવાથી બુલેટ ટ્રેનનું કામ અટવાઈ ગયું હતું.