ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
બેસ્ટની બસમાં પિક અવર્સમાં ટિકિટની મગજમારીથી હવે છુટકારો મળશે. હવેથી બસની ટિકિટ ઘેરબેઠાં કાઢી શકાશે. બેસ્ટ ઉપક્રમે પ્રવાસીઓને ઘેરબેઠાં બસની ટિકિટ કાઢવાની સુવિધા ઉપલબ્ધ કરી આપવાની છે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયાથી પ્રવાસીની સેવામાં નવી મોબાઇલ ઍપ ચાલુ કરવામાં આવવાની હોવાનું બેસ્ટના જનરલ મૅનેજર લોકેશ ચંદ્રએ જણાવ્યું હતું.
હાલ બેસ્ટની બસમાં 25 લાખ પ્રવાસીઓ રોજ પ્રવાસ કરે છે. કોરોના પહેલાંના સમયમાં આ સંખ્યા 32થી 35 લાખની આસપાસ હતી. પ્રવાસીઓ માટે હાલ બેસ્ટના માસિક પાસ ઉપલબ્ધ છે. તેમ જ ટિકિટ પણ ઉપલબ્ધ છે. જોકે હજી સુધી મોબાઇલ ટિકિટ સેવાની સગવડ ઉપલબ્ધ નહોતી. તેથી સવાર-સાંજના પિક અવર્સમાં બસમાં ભીડના સમયે કંડક્ટર અને પ્રવાસીઓ વચ્ચે છુટ્ટા પૈસાને લઈને મગજમારી થતી હોય છે, તો કોરોનાના સમયમાં દૈનિક રોકડ વ્યવહાર ઉપર પણ નિયંત્રણ રાખવા માટે મોબાઇલ ટિકિટ ઍપની સેવા ચાલુ કરવાનો બેસ્ટ ઉપક્રમે નિર્ણય લીધો છે. મોબાઇલ પર ઍપ ડાઉનલોડ કર્યા બાદ એના પરથી ટિકિટ કાઢી શકાશે. આ મોબાઇલ ઍપ પરથી પાસ પણ કઢાવી શકાશે.