ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
મહારાષ્ટ્રમાં છેલ્લા એક મહિનામાં કોરોનાના સક્રિય દર્દીની સંખ્યામાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે, પરંતુ ગણેશોત્સવને પગલે બજારોમાં ખરીદી માટે ઊમટી રહેલી ભીડે સરકારનું ટેન્શન વધારી દીધું છે. લોકો મોટી સંખ્યામાં બજારમાં ઊમટી રહ્યા છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું નથી. એટલું જ નહીં લોકો માસ્ક સુધ્ધાં પહેરતા નથી. એની અસર છેલ્લા 10 દિવસથી જણાઈ રહી છે. કોરોનાના દર્દીનો ધીમી ગતિએ વધી રહેલો આંકડો ચિંતા ઊપજાવે એવો છે. નિષ્ણાતો ફરી-ફરીને લોકોને કોરોનાને લગતા નિયમોનું પાલન કરવાની ચેતવણી આપી રહ્યા છે.
રાજ્યના આરોગ્ય ખાતાએ જાહેર કરેલા આંકડા મુજબ પહેલી ઑગસ્ટના 78,962 સક્રિયા દર્દી હતા. 4 સપ્ટેમ્બરના આ આંકડો 52,025 હતો. એટલે કે સક્રિય દર્દીની સંખ્યામાં એક તૃતીયાંશનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે 26 ઑગસ્ટથી સક્રિય દર્દીની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. 26 ઑગસ્ટના 50,393 સક્રિય દર્દી હતા, તે 4 સપ્ટેમ્બરના 52,025 રહ્યા હતા. દસ દિવસ દરમિયાન સક્રિય દર્દી 50,000થી 52,000ની આસપાસ રહ્યા છે. જૂન મહિનાથી કોરોનાની બીજી લહેર ઓસરી રહી હતી. ત્યાર બાદ રાજ્યમાં રોજના 10,000ની આસપાસ કેસ નોંધાઈ રહ્યા હતા. હવે ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં 5,000ની આસપાસ દર્દી નોંધાઈ રહ્યા છે.
3 સપ્ટેમ્બરના 50,466 સક્રિય દર્દી હતા, એમાંથી 16.70 ટકા એટલે કે 8,426 દર્દી ગંભીર હાલતમાં છે. તેઓ ઑક્સિજનના સપોર્ટ પર છે, તો 6.69 ટકા એટલે કે 3,376 દર્દી ICUમાં છે. 2.72 ટકા એટલે કે 1,375 દર્દી વેન્ટિલેટર પર છે. ICUની બહાર ઑક્સિજન પર 5,050 દર્દી છે. 26,287 એટલે કે 52.1 દર્દી અસિમ્પ્ટેટિક એટલે કે કોરોનાનાં લક્ષણો નહીં ધરાવતા લોકો છે. જ્યારે 24,179 દર્દી હૉસ્પિટલમાં જનરલ વૉર્ડમાં સારવાર લઈ રહ્યા છે.