ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021
સોમવાર
મુંબઈ મહાનગરપાલિકાનો અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા કોસ્ટલ રોડના કામમાં એક હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આરોપ ભાજપના નેતા આશિષ શેલારે કર્યો છે. આ ભ્રષ્ટાચારમાં શિવસેના ભાગીદાર હોવાનો આરોપ કરીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ્સ (SIT) મારફત તપાસની તેમણે માગણી કરી છે.
ઑક્ટોબર ૨૦૧૮થી ૨૦૨૦ના સમયગાળામાં કોસ્ટલ રોડનું કામ ચાલતું હતું. એ દરમિયાન એમાં લગભગ એક હજાર કરોડ રૂપિયાનો આર્થિક ગેરવ્યહાર થયો હોવાનું પ્રાથમિક સ્તરે જણાઈ આવ્યું છેે. આ પૂરા પ્રકરણની તપાસ SIT મારફત કરવાની માગણી આશિષ શેલારે પત્ર લખીને પાલિકા કમિશનર ઇકબાલસિંહ ચહલને કરી છે.
આ પૂરા કૌભાંડમાં પાલિકાની સ્થાયી સમિતિનો પણ સહભાગ હોવાની શંકા આશિષ શેલારે વ્યક્ત કરી હતી. કોરોનાકાળમાં મુંબઈમાં લૉકડાઉનમાં બધું ઠપ્પ હતું ત્યારે શિવસેનાએ આ કૌભાંડ કરી રહી હતી. તેમણે કોને કોને કૉન્ટ્રૅક્ટ આપ્યા છે, તેનાં નામ બહુ જલદી બહાર પાડવામાં આવશે. એ પહેલાં જોકે સત્તાધારી શિવસેનાએ જવાબ આપવો પડશે. અન્યથા ભાજપ કાયદેસરની લડાઈ લડશે એવી ચીમકી પણ આશિષ શેલારે આપી હતી.