ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021
સોમવાર
દેશના આર્થિક હિતોને નુકસાન પહોંચાડવા માટે અને અર્બન નક્સલીઓ, ડાબેરીઓ તથા ટૂકડે-ટૂકડે ગેંગને મદદ કરવાના આક્ષેપ સાથે અગ્રણી આઈટી કંપની ઈન્ફોસિસની ટીકા કરતા પાંચજન્યના લેખથી આરએસએસે છેડો ફાડયો છે.
આરએસએસના પ્રવકતા સુનીલ આંબેકરે કહ્યું કે ભારતની અગ્રણી આઈટી કંપનીના રૂપમાં ઈન્ફોસિસે દેશની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
ઈન્ફોસિસ દ્વારા સંચાલિત પોર્ટલ સાથે કેટલીક સમસ્યાઓ હોઈ શકે છે, પરંતુ આ સંદર્ભમાં પાંચજન્ય દ્વારા પ્રકાશિત લેખ માત્ર લેખકનો વ્યક્તિગત મત દર્શાવે છે.
આંબેકરે ત્યાં સુધી કહી દીધું કે પાંચજન્ય આરએસએસનું મુખપત્ર નથી અને તેમાં વ્યક્ત કરવામાં આવેલા લેખ અથવા મતને આરએસએસ સાથે જોડવા જોઈએ નહીં.
ઉલ્લેખનીય છે કે આરએસએસના મુખપત્ર પાંચજન્યમાં અગ્રણી આઈટી કંપની ઈન્ફોસિસની ટીકા કરતો લેખ પ્રકાશિત થયા પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ આ લેખથી અંતર જાળવ્યું હતું.