ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑગસ્ટ, 2021
શુક્રવાર
છેલ્લા 48 કલાકથી સતત વરસી રહેલા વરસાદના કારણે દેહરાદૂનમાં ભારે તબાહી સર્જાઈ છે. ભારે વરસાદના કારણે દેહરાદૂન-હૃષીકેશ વચ્ચે આવેલો રાનીપોખરી બ્રિજ તૂટી ગયો છે. આ દુર્ઘટના સમયે બ્રિજ પરથી પસાર થઈ રહેલા કેટલાંક વાહનો નદીમાં પડ્યાં હોવાના સમાચાર જાણવા મળી રહ્યા છે. જોકે હજુ સુધી કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર સામે આવ્યા નથી.
પ્રાપ્ત જાણકારી અનુસાર આ દુર્ઘટનાને પગલે અત્યારે દેહરાદૂનથી હૃષીકેશનો મુખ્ય માર્ગ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. વાહનોને દેહરાદૂનથી નેપાલી ફાર્મ તરફથી ડાયવર્ટ કરી હૃષીકેશ મોકલાઈ રહ્યા છે. આ દુર્ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં રાનીપોખરી બ્રિજ વચ્ચેથી તૂટતો દેખાઈ રહ્યો છે. આ બ્રિજ તૂટતાં જ ત્રણ વાહનો, જેમાં બે લોડર અને એક કાર નદીમાં ખાબકી હતી.
ઇન્ડિયન મીટિરિયોલૉજિકલ ડિપાર્ટમેન્ટ (IMD) દ્વારા ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડના 5 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જેમાં નૈનિતાલ, ચંપાવત, ઉધમસિંહ નગર, બાગેશ્વર અને પિથૌરાગઢનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દેહરાદૂન, ટિહરી, પૌરી જિલ્લાઓના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉત્તરાખંડમાં ભારે તબાહી! સતત પડી રહેલા વરસાદના કારણે દહેરાદૂન-હૃષીકેશ વચ્ચેનો આ પુલ થયો ધરાશાયી; જુઓ વીડિયો #Uttrakhand #DehradunRishikeshHighway #heavyrain #disaster #rain #bridge #collapse pic.twitter.com/8BDGWK9Tqr
— news continuous (@NewsContinuous) August 27, 2021