ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
શિવસેના અને નારાયણ રાણે વિરુદ્ધનું યુદ્ધ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે મહારાષ્ટ્રમાં જન આશીર્વાદ યાત્રા પર નીકળ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ અણછાજતી ટિપ્પણી કરવાનો તેમના પર આરોપ છે. મુખ્ય પ્રધાન સામે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ રાજ્યભરમાં તેમની સામે શિવસેનાના કાર્યકર્તાઓ સહિત અન્ય પક્ષના નેતાઓએ પણ નારાજગી વ્યક્ત કરી છે. આ મામલે નાશિકમાં શિવસેનાના શહેરાધ્યક્ષ સુધાકર બડગુજરે તેમની વિરુદ્ધમાં પોલીસમાં ગુનો નોંધાવ્યો છે. નાશિક પોલીસ કમિશનરે નારાયણ રાણેની ધરપકડનો આદેશ આપ્યો છે. એ મુજબ નાશિક પોલીસે તેમની ધરપકડ કરવાનું નક્કી કર્યું છે. એથી નારાયણ રાણેની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. નાશિક પોલીસની એક ટુકડી ચિપલૂણ રવાના પણ થઈ ગઈ છે. તેમની ધરપકડ કરીને તેમને કોર્ટ સમક્ષ હાજર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
હાલ ચિપલૂણ રહેલા નારાયણ રાણેની ઘરપકડ માટે નાશિક પોલીસ રવાના થઈ ગઈ છે. એથી ચિપલૂણમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.