ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઓગસ્ટ 2021
સોમવાર.
ભારતીય સેનાના એક પસંદગી બોર્ડે ગણના યોગ્ય સેવાના 26 વર્ષ પૂર્ણ કર્યા બાદ પાંચ મહિલા અધિકારીઓને કર્નલના પદ પર પ્રમોશનનો માર્ગ મોકળો કર્યો છે.
કર્નલ ટાઈમ સ્કેલ રેન્ક માટે પસંદ કરાયેલા પાંચ મહિલા અધિકારીઓમાં કોર ઓફ સિગ્નલ્સમાંથી લેફ્ટનન્ટ કર્નલ સંગીતા સરદાના, EME કોરમાંથી લેફ્ટનન્ટ કર્નલ સોનિયા આનંદ, લેફ્ટનન્ટ કર્નલ નવનીત દુગ્ગલ, કોર ઓફ ઈન્જીનિયરમાંથી લેફ્ટનન્ટ કર્નલ રીનુ ખન્ના અને લેફ્ટનન્ટ કર્નલ રિચા સાગર છે.
આ પ્રથમ વખત છે જ્યારે કોર ઓફ સિગ્નલ્સ, કોર ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ મિકેનિકલ એન્જિનિયર્સ અને કોર ઓફ એન્જિનિયર્સમાં ફરજ બજાવતા મહિલા અધિકારીઓને કર્નલના રેન્કમાં મંજૂરી આપવામાં આવી છે.
અગાઉ, કર્નલના હોદ્દા પર પ્રમોશન માત્ર આર્મી મેડિકલ કોર્પ્સ, જજ એડવોકેટ જનરલ અને આર્મી એજ્યુકેશન કોર ના મહિલા અધિકારીઓને લાગુ પડતી હતી.
ભારતીય સેનાની વધુ શાખાઓમાં પ્રમોશનના રસ્તાનું વિસ્તરણ મહિલા અધિકારીઓ માટે કારકિર્દીની તકો વધારવાની નિશાની છે.
ભારતીય સેનાની મોટાભાગની શાખાઓમાંથી મહિલા અધિકારીઓને કાયમી કમિશન આપવાના નિર્ણય સાથે, આ પગલું જેંડર ન્યૂટ્રલ સેના પ્રત્યે ભારતીય સેનાનો અભિગમ વ્યાખ્યાયિત કરે છે.