ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑગસ્ટ, 2021
સોમવાર
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં થઈ રહેલા વિલંબને કારણે અટવાઈ પડ્યો છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાય છે. લાંબા સમયથી મહારાષ્ટ્રના થાણે અને પાલઘર જિલ્લામાં જમીન સંપાદનમાં થઈ રહેલા વિલંબને કારણે પ્રોજેક્ટ અટવાઈ ગયો છે. જોકે ખરેખર તો રાજકીય કારણસર જ આ પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો હોવાનું રાજકીય સ્તરે ચર્ચાય છે. બુલેટ ટ્રેનનું કામ ત્યારે જ ચાલુ થશે જ્યારે કાંજુરમાર્ગમાં મેટ્રો કારશેડને આડે આવેલી અડચણો દૂર થશે એવું શિવસેનાએ અંદરખાને ભાજપને જણાવી દીધું હોવાનું માનવામાં આવે છે.
શિવસેના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ સામે નડી ગઈ હોવાને કારણે જમીન સંપાદન થઈ શક્યું નથી. એનું કારણ મુંબઈમાં મેટ્રો કારશેડ કહેવાય છે. કાંજુરમાર્ગમાં મેટ્રો કારશેડ બાંધવાને લઈને શિવસેના અને ભાજપ સામસામે થઈ ગઈ હતી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે મેટ્રો કારશેડને આરે કૉલોનીને બદલે કાંજુરમાર્ગ ખસેડવા માગતા હતા. એ માટેનું કામ પણ ચાલુ થઈ ગયું હતું. જોકે હવે કેન્દ્ર સરકાર એને આડે આવી ગઈ હતી. જમીન કેન્દ્ર સરકારની માલિકીની હોવાનું કહીને તેમણે મેટ્રો કારશેડનું કામ રોકી દીધું હતું. આખો મુદ્દો કોર્ટમાં જતો રહ્યો છે. એથી હાલ મેટ્રો કારશેડનું કામ અટવાઈ પડ્યું છે. ભાજપ જો મેટ્રો કારશેડને આડે આવતાં વિધ્નો દૂર કરે તો તેઓ પણ બુલેટ ટ્રેનના માર્ગમાં કોઈ અવરોધ નહીં લાવે એવો મૅસેજ સેનાએ ભાજપને મોકલાવ્યો હોવાનું અંદરખાને ચર્ચાય છે.
રાજકીય સ્તરે ચાલતી પૉલિટિકલ પાર્ટીઓના આ રાજકરણને કારણે જોકે વિકાસનાં કામોને આડે અવરોધો આવી રહ્યાં છે. જોકે હવે મહારાષ્ટ્રમાં સત્તાધારી પાર્ટી શિવસેનાએ આ પ્રોજેક્ટ પ્રત્યે કૂણું વલણ અપનાવ્યું હોવાનું કહેવાય છે. શિવસેનાએ થાણે અને પાલઘરમાં જમીન સંપાદન બાબતે સ્થાનિક જિલ્લા પ્રશાસનને યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. એથી બહુ જલદી બુલેટ ટ્રેનની આડેની અડચણો દૂર થવાની શક્યતા છે. જોકે એની સામે કાંજુરમાર્ગમાં કારશેડના માર્ગમાં રોડા નહીં નાખવાનું શિવસેનાએ અપ્રત્યક્ષ રીતે ભાજપને જણાવી દીધું હોવાનું માનવામાં આવે છે.