ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઑગસ્ટ, 2021
શનિવાર
મહારાષ્ટ્રના રાજકારણમાં બહુ જલદી બીજા તેજસ્વી યુવકનું આગમન થવાનાં એંધાણ છે. શિવસેનાનું નેતૃત્વ કરનારા ઠાકરે પરિવારની ત્રીજી પેઢીના આદિત્ય ઠાકરે બાદ તેમના નાના ભાઈ તેજસ ઠાકરે પણ બહુ જલદી રાજકારણમાં એન્ટ્રી કરે એનો તખતો ગોઠવાઈ ગયો છે. શિવસેનાના સેક્રેટરી મિલિંદ નાર્વેકરે એના સંકેત આપી દીધા હોવાનું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના બીજા પુત્ર તેજસ ઠાકરે રાજકીય ક્ષેત્રથી અત્યાર સુધી અંતર જાળવી રાખ્યું છે, પરંતુ હાલમાં જ તેજસ ઠાકરેના જન્મદિન નિમિતે મિલિંદ નાર્વેકરે તેને શુભેચ્છા આપનારી મોટી જાહેરખબર અખબારમાં છાપી હતી, એના પર સોશિયલ મીડિયામાં જોરદાર ચર્ચા ચાલુ થઈ ગઈ છે.
શિવસેનાના પ્રમુખ દિવંગત બાળ ઠાકરેની હાજરીમાં જ આદિત્ય ઠાકરેની રાજકારણમાં એન્ટ્રી થઈ હતી. એ વખતે જ બાળ ઠાકરેએ તેજસમાં તેમની આક્રમકતા હોવાનું કહ્યું હતું. એથી આજે નહી તો કાલે, તેજસ ઠાકરે પણ રાજકારણમાં એન્ટ્રી કરશે એવું માનવામાં આવતું હતું. હવે શિવસેનાની પાંખ ગણાતી યુવાસેનાનું નેતૃત્વ તેમના ખભા પર નાખવામાં આવે એવી શક્યતા છે. હાલ યુવાસેનાના પ્રમુખપદે આદિત્ય ઠાકરે છે. જોકે તેઓ વિધાનસભ્યની સાથે જ રાજ્યના પર્યટન ખાતાનો ભાર સંભાળી રહ્યા છે. ઉપનગરના પાલક પ્રધાન પણ છે. તેમની જવાબદારી વધી ગઈ છે. એથી યુવા સેનાની જવાબદારી હવે તેજસના શિરે નાખવાની ચર્ચા ચાલી રહી છે. હાલ રાજ્યભરમાં યુવાસેનાના જિલ્લા અને તાલુકા સ્તરે મેળાવળા ચાલી રહ્યા છે. એની નવી કાર્યકારિણી જાહેર કરવામાં આવવાની છે, ત્યારે યુવાસેનાના પ્રમુખપદે તેજસ ઠાકરેને બેસાડીને તેમનો રાજકારણમાં પ્રવેશ કરાવવાની શિવસેનાની ભવ્ય યોજના ચાલી રહી હોવાનું માનવામાં આવે છે.