ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑગસ્ટ, 2021
શુક્રવાર
મહારાષ્ટ્રના ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ અને મનસે પ્રમુખ રાજ ઠાકરેની મુલાકાતથી શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉત બાવરા થઈ ગયા હોવાનું કહેવાય છે.
ચંદ્રકાંત પાટીલ અને રાજ ઠાકરેની યોજાયેલી મુલાકાતમાં કયા મુદ્દા પર ચર્ચા થઈ છે એ હજી સત્તાવાર રીતે બહાર આવ્યું નથી, પરંતુ આ બેઠકમાં બંને પક્ષો વચ્ચે યુતિ કરવાને લઈને ચર્ચા થઈ હોવાનું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે ત્યારે બંને નેતાઓની મુલાકાતથી જોકે શિવસેનાના પેટમાં તેલ રોળાયું છે.
બંને નેતાઓની દાદરમાં થયેલી બેઠક સંદર્ભે શિવસેનાના પ્રવકતા અને સાંસદ સંજય રાઉતને સવાલ કરવામાં આવતાં તેમણે કહ્યું હતું આવી મુલાકાતો પર ધ્યાન આપવા જેવું હોતું નથી. બંને પક્ષો ગુપ્ત બેઠકો કરતા હોય તો પણ એનાથી અમારે શું લેવાદેવા? કહીને તેમણે ઉડાઉ જવાબ આપ્યો હતો. બંને પક્ષના નેતાઓની બેઠક લઈને જોકે શિવસેનાના નેતાઓની અંદરખાનેથી ચિંતા વધી ગઈ હોવાનું માનવામાં આવે છે.
લગભગ 30 વર્ષથી મુંબઈ મહાનગરપાલિકામાં શાસન કરી રહેલી શિવસેનાને મુંબઈ મહાનગરપાલિકાની સત્તા ગુમાવી કોઈ કાળે પરવડી શકે એમ નથી. એથી કોઈ પણ હિસાબે આગામી વર્ષે થનારી મુંબઈ મનપાની ચૂંટણીમાં એ ફરી સત્તા પ્રાપ્ત કરવા માગે છે. જોકે સામે પક્ષે આ વખતે ભાજપ પણ પાલિકામાં શિવસેના પાસેથી સત્તા ઝૂંટવી લેવા મરણિયા પ્રયાસમાં લાગી ગઈ છે. મુંબઈના મરાઠી મતોમાં વિભાજન કરવા તે મનસેને સાધવાનો પ્રયાસ કરી રહી છે. ચંદ્રકાંત પાટીલ અને રાજ ઠાકરેની બેઠકથી શિવસેનામાં બેચેની વધી ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એમાં પણ બિનધાસ્ત નિવેદનો કરનારા સંજય રાઉતના આ બંને નેતાઓની બેઠકને લઈને આપેલા ઉડાઉ જવાબથી શિવસેના આ બેઠકને કેટલી ગંભીરતાથી લઈ રહી છે એ જણાઈ આવ્યું હતું.