ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઑગસ્ટ, 2021
સોમવાર
આંતરરાષ્ટ્રીય સ્તરે ગરમ મસાલાની નિકાસ કરવામાં ભારત અગ્રક્રમાંકે રહ્યો છે. છતાં અન્ય દેશોની સરખામણીમાં દેશ નિકાસમાં પ્રગતિ કરી શક્યો નથી. એથી ગરમ મસાલાની નિકાસમાં દેશ વધુ પ્રગતિ સાધે એ માટે કેન્દ્ર સરકાર સંચાલિત સ્પાઇસીસ બોર્ડે હાલમાં જ સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં ખેડૂતો, એક્સપોર્ટરની સાથે જ ગરમ મસાલાના વેપારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં મુંબઈના બે અગ્રણી વેપારીઓનો પણ સમાવેશ થયો છે. ટાસ્ક ફોર્સના ચૅરમૅન તરીકે મુંબઈના અગ્રણી જેબ્સ ઇન્ટરનૅશનલના ચૅરમૅન ભાસ્કર શાહ અને ડાયરેક્ટર તરીકે સ્પાઇસ એક્ઝિમના યોગેશ મહેતાની નિમણૂક કરવામાં આવી છે.
ગરમ મસાલાની નિકાસમાં વેપારીઓને અનેક અડચણો આવતી હોવાથી લાંબા સમયથી સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવાની માગણી થતી હતી, જેમાં નિકાસને લઈને રહેલી સમસ્યાઓ માટે સરકાર સાથે નિયમિત ચર્ચા થઈ શકે એ માટે સ્પાઇસીસ બોર્ડમાં ખેડૂતો, એક્સપોર્ટર અને વેપારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પાઇસ બોર્ડ 25 વર્ષથી ટાસ્ક ફોર્સની રચના કરે છે. એમાં વિવિધ પ્રોડક્ટ વાઇઝ કમિટી બનાવીને પસંદગીના લોકોનો એમાં સમાવેશ કરે છે. હાલ ગરમ મસાલાની માર્કેટમાં તેજી જણાતી હોવાથી વિકાસ માટેની તકો હજી વધી ગઈ છે. એથી સક્રિય ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.
ઑગસ્ટ મહિનામાં આટલા દિવસ બૅન્કનું કામકાજ રહેશે બંધ; જાણો વિગત
સ્પેશિયલ ટાસ્ક ફોર્સ મસાલાની નિકાસમાં આવતી અડચણો, ગુણવત્તાયુક્ત મસાલાના ઉત્પાદનના મુદ્દે ખાસ ફોકસ કરશે. અહીં ઉલ્લેખનીય છે ભારત દર વર્ષે 11થી 12 લાખ ટન મસાલાની નિકાસ કરે છે. એની નિકાસ થકી વાર્ષિક 21,000 કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ કમાય છે. સીડ્સ સ્પાઇસીસની 6,000 કરોડ રૂપિયાની નિકાસ થાય છે, તો ભારત દર વર્ષે સૌથી વધુ એટલે કે સાડાચાર લાખ ટન મરચાની અને જીરુની નિકાસ કરે છે. હળદર, ધાણા, વરિયાળી, મરી, સૂંઠ, એલચી, મેથી જેવા મસાલાઓ લાખો ટનમાં વિદેશમાં નિકાસ કરવામાં આવે છે.