ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 જુલાઈ, ૨૦૨૧
શુક્રવાર
‘ચમત્કાર’ ફિલ્મમાં ભૂતનું પાત્ર ભજવનાર નસરુદ્દીન શાહના જાદુથી ક્રિકેટ મૅચ જીતી જવાય છે, એવી જ એક ઘટના વાસ્તવમાં બની છે. ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ વચ્ચે T20 મૅચ દરમિયાન બનેલી આ વિચિત્ર ઘટનાની હાલ ચર્ચા થઈ રહી છે. આ ઘટના કૅમેરામાં કેદ થઈ છે.
વાત એમ છે કે આ મૅચ દરમિયાન સ્ટમ્પ પરની બેલ્સ આપોઆપ પડી ગઈ હતી, ત્યાર બાદ ફિલ્ડિંગ ટીમે બૅટનો ફટકો પડ્યો હોવાનું કહીને બૅટ્સમૅનને આઉટ કરવાની અપીલ કરી હતી. આ વિચિત્ર ઘટના 18મી ઓવરમાં બની હતી, જ્યારે બાંગ્લાદેશ બૅટિંગ કરી રહ્યું હતું. મોહમ્મદ સૈફુદ્દીન બૅટિંગ કરી રહ્યો હતો. એ સમયે, તેંડાય ચત્રા પોતાની ઓવરનો પાંચમો બૉલ ફેંકવાનો હતો. એ જ સમયે સ્ટમ્પ પરની બેલ્સ અચાનક આપમેળે પડી ગઈ.
આ ઘટનાથી અમ્પાયરો માટે મોટી સમસ્યા એ ઊભી થઈ હતી કે જ્યારે બૉલ ફેંકાયો ન હતો તો બેલ્સ આપોઆપ પડી જતાં શું નિર્ણય લેવો? રેફરીએ ઘટનાની નોંધ લીધી અને ઘણીવાર ઘટનાના ફૂટેજ જોયા. સૈફુદ્દીન સ્ટમ્પથી દૂર ઊભો હતો. તેના બૅટને કારણે સ્ટમ્પ અથવા બેલ્સ પડવાની શક્યતા નહતી. બેલ્સ હવાને લીધે પડી ગયા હોવા જોઈએ એવું તારણ કાઢીને તેને નોટ આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.