ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 જુલાઈ, 2021
ગુરુવાર
મુંબઈમાં કોરોનાના દર્દીની સંખ્યામાં ઘટાડો થયો છે. કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી છે. એથી કોરોના પ્રતિબંધક નિયમો હળવા કરવામાં આવશે અને વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી મળે એની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. જોકે મહારાષ્ટ્ર સરકારે કૅબિનેટ બેઠકમાં એ બાબતે કોઈ નિર્ણય નહીં લેતાં મુંબઈગરામાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે.
કોરાનાની ત્રીજી લહેરનું જોખમ જોતાં મહારાષ્ટ્ર સરકાર કોઈ પણ નિર્ણય લેતાં અચકાઈ રહી હોવાનું કહેવાય છે. ત્યારે સામાન્ય મુંબઈગરાની સહનશક્તિનો હવે અંત આવી ગયો છે. ઘણા દિવસોથી સરકારના અનેક પ્રધાનો પણ વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેમને ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ આપવામાં બાબતે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. ભાજપે ગયા અઠવાડિયે એ માટે આંદોલન પણ કર્યું હતું, તો રેલવે સંગઠનો પણ લાંબા સમયથી વેક્સિનના બંને ડોઝ લેનારાને ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ આપવાની માગણી કરી રહ્યા છે. કેબિનેટમાં લોકલ ટ્રેનમાં પ્રવાસ બાબતે સરકાર નિર્ણય લેશે એવી અપેક્ષા હતી, પરંતુ સરકારે હજી સુધી એના પર કોઈ નિર્ણય લીધો નથી
એટલું જ નહીં, પણ આર્થિક રીતે પણ વેપારીઓને જ નહીં પણ સરકારને પણ નુકસાન થઈ રહ્યું છે. કોરોના પ્રતિબંધક નિયમો થોડા હળવા કરીને દુકાનો સાંજના મોડે સુધી ખુલ્લી રાખવાની માગણી પણ વેપારી કરી રહ્યા છે. એ બાબતે પણ સરકાર કોઈ નિર્ણય લેતી નથી, એથી વેપારી વર્ગ પણ ભારે નારાજ થઈ ગયો છે.